
અભિનંદન: ભારતના ગુલાબી શહેર જયપુરને યુનેસ્કોએ આપ્યો વૈશ્વિક વારસાનો દરજ્જો, પીએમ મોદીએ કર્યું ટ્વિટ
નવી દિલ્હી : ઐતિહાસિક ઈમારતોથી ઘેરાયેલા શહેર અને ભારતમાં રાજસ્થાનના પાટનગર જયપુરને શનિવારે યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળનો દરજ્જો મળ્યો છે. આ નિર્ણય યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિના 43મા સત્રમાં લેવામાં આવ્યો છે. આ સત્ર 20મી જૂનથી આઝારબૈજાનના બાકૂમાં ચાલી રહ્યું છે અને 10મી જુલાઈ સુધી તે ચાલુ રહેશે. જયપુર સિવાય સત્ર દરમિયાન સમિતિએ યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં અભિલેખ માટે 36 નામાંકનોની ચકાસણી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પગલાનું સ્વાગત કરતા ટ્વિટ કર્યું કે જયપુર એક શહેર છે, જે સંસ્કૃતિ સાથે બહાદૂરીથી જોડાયેલું છે. મનોહર અને ઊર્જાવાન, જયપુરની મહેમાનનાજી દરેક સ્થાનો પરથી લોકોને આકર્ષિત કરે છે. ખુશી છે કે આ શહેરને યૂનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સ્થાન તરીકે અંકીત કરવામાં આવ્યું છે.

જયપુરની સ્થાપના 1727માં સવાઈ જયસિંહ દ્વિતિયના સંરક્ષણમાં કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કોએ કહ્યુ હતુ કે નગર નિયોજન અને વાસ્તુકલામાં પોતાના અનુકરણીય વિકાસના મૂલ્યો માટે આ શહેરને પ્રસ્તાવિત કરવાનું હતું, જે મધ્યયુગમાં સમ્મિશ્રણ અને વિચારોના આદાન-પ્રદાનનું પ્રદર્શન કરે છે.
નગર નિયોજનમાં આ પ્રાચીન હિંદુ, મુઘલ અને સમકાલિન પશ્ચિમી વિચારોનું આદાન-પ્રદાન દેખાય છે. તેનું પરિણામ એક શહેરના રૂપમાં સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સંગઠને એમ પણ કહ્યુ છે કે જયપુર દક્ષિણ એશિયામાં મધ્યયુગીન વ્યાપારનું પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
વૈશ્વિક વારસા સમિતિ પહેલેથી જ 166 સ્થાનોના સંરક્ષણની તપાસ કરી રહી છે, જેમાથી 5 ખતરાની યાદીમાં સામેલ છે. અત્યાર સુધી 167 દેશોમાં 1092 સ્થાનોને વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.