નવી દિલ્હી, 25 માર્ચ 2026: પૃથ્વીના નિરીક્ષણ માટે એક ઐતિહાસિક ભાગીદારીમાં, NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) સેટેલાઇટ અત્યારે અવકાશમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યો છે. આ સેટેલાઇટ એક હાઈ-ટેક ‘માઈક્રોસ્કોપ’ જેવું કામ કરે છે, જે પૃથ્વીની સપાટી પર થતા મિલીમીટર જેટલા નાના ફેરફારોને પણ નોંધી શકે છે. NISAR મિશન, જેપીએલ/નાસાના L-band રડાર અને સેક/ઇસરોના S-band રડારનો સમન્વય સાધીને, અવકાશમાંથી આપણી પૃથ્વીનું અત્યાર સુધીનું સૌથી સંપૂર્ણ અને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. જુલાઈ 30, 2025ના રોજ લોન્ચ થયેલું આ મિશન વાદળો અથવા અંધારાની આરપાર જોઈ શકતા આધુનિક રડારનો ઉપયોગ કરે છે. આનાથી આપણને બદલાતી ઇકોસિસ્ટમ, પીગળતા ગ્લેશિયર્સ અને ધરતીના પેટાળમાં થતી હલચલની એવી સચોટ માહિતી મળશે જે અત્યાર સુધી અશક્ય હતી. આ સેટેલાઇટ પૃથ્વીના ખૂણેખૂણાની તસવીરો લઈને કુદરતી આપત્તિઓની આગાહી કરવામાં અને ક્લાઈમેટ ચેન્જની અસરોને સમજવામાં ક્રાંતિ લાવશે.
આ વિરાટ માહિતીનો ઉપયોગ કરવા માટે વૈજ્ઞાનિક સમુદાયને તૈયાર કરવાના હેતુથી, ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ ખાતે 27 માર્ચ, 2026ના રોજ એક રાષ્ટ્રીય ‘યુઝર મીટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારત અને અમેરિકાના (નાસા- જેપીએલ સહિત) અંદાજે 300 નિષ્ણાતો ભેગા મળીને આ ડેટાને જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવાની યોજનાને આખરી ઓપ આપશે. આ મીટિંગ સેટેલાઇટના જટિલ સિગ્નલો અને તેના વ્યવહારિક ઉપયોગ વચ્ચે એક મહત્વની કડી સાબિત થશે, જેથી સંશોધકો અને સ્ટાર્ટ-અપ્સ આ માહિતીનો ઉપયોગ પર્યાવરણના ઉકેલો શોધવા માટે કરી શકે.
આ મિશન “ઓપન ડેટા અને ઓપન સાયન્સ’ના એક નવા યુગની શરૂઆત છે, જ્યાં અવકાશ વિજ્ઞાનનો સીધો લાભ સામાન્ય માણસને મળશે. ખેડૂતો માટે પાણીના વ્યવસ્થાપનથી લઈને શહેરી આયોજનમાં જમીન નીચે બેસવાની સમસ્યાઓ ઉકેલવા સુધી, આ વિષયો એવી એપ્સ અને સેવાઓને બળ આપશે જે લોકોના જીવન અને આજીવિકાનું રક્ષણ કરશે. હવે જ્યારે NISAR તેના શરૂઆતના ટેસ્ટિંગ તબક્કામાંથી બહાર આવી રહ્યું છે, ત્યારે સમગ્ર વિશ્વ પૃથ્વીને એક નવી અને વધુ સ્પષ્ટ નજરથી જોવા માટે તૈયાર છે.


