
- આજે છે મહિલાઓને તેના અધિકારો પ્રત્યે જાગરુક કરવાનો દિવસ
- આજે વિશ્વભરમાં ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
- આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ‘વુમન ઇન લીડરશીપ: અચીવિંગ ઇન ઇક્વલ ફ્યુચર ઇન અ કોવિડ-19 વર્લ્ડ’ છે
નવી દિલ્હી: આજના પુરુષપ્રધાન સમાજમાં આર્થિક, સામાજીક તેમજ રાજનૈતિક સહિત અનેક ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધે તે આવશ્યક છે. આ જ ઉદ્દેશ્ય સાથે મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગરુક બનાવવા અને મહિલા સશક્તિકરણના હેતુસર દર વર્ષે વિશ્વભરમાં 8 માર્ચના રોજ મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત વિભિન્ન ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓનું સન્માન કરવા માટે પણ આ દિવસ ઉજવાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ‘વુમન ઇન લીડરશીપ: અચીવિંગ ઇન ઇક્વલ ફ્યુચર ઇન અ કોવિડ-19 વર્લ્ડ’ છે.
મહિલા દિવસના ઇતિહાસ પર પ્રકાશ પાડીએ તો સૌપ્રથમ અમેરિકામાં સોશ્યાલિસ્ટ પાર્ટીના આહવાનથી આ દિવસને 28 ફેબ્રુઆરી, 1909માં ઉજવવામાં આવ્યો હતો. વર્ષ 1910માં સોશ્યાલિસ્ટ ઇન્ટરનેશનલના કોપનહેગન સંમેલનમાં તેને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપ્યો. તે સમયે તેનો હેતુ મહિલાઓને વોટ આપવાનો અધિકાર અપાવવાનો હતો. જે બાદ સોવિયત સંઘે વર્ષ 1917માં એક રાષ્ટ્રીય અવકાશ તરીકે જાહેર કર્યો.
રશિયાની મહિલાઓએ બ્રેડ એન્ડ પીસની માંગને લઇને વર્ષ 1917માં હડતાળ કરી હતી. જે ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે શરૂ થઇ. મહિલાઓની હડતાળ ત્યાંના સમ્રાટ નિકોલસને પદ છોડવા માટે મજબૂર કરી દીધા હતા અને અંતરિમ સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર આપી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે તે સમયે રૂસમાં જૂલિયન કેલેન્ડરનો પ્રયોગ થતો હતો. મહિલાઓએ 23 ફેબ્રુઆરીએ હડતાલ શરુ કરી હતી. જોકે, ગ્રેગેરિયન કેલેન્ડરમાં તે દિવસ 8 માર્ચે મનાવવામાં આવતો હતો. જેને લઈને મહિલા દિવસ 8 માર્ચે ઉજવાય છે.
(સંકેત)