આધાર ડેટાબેઝનું રાષ્ટ્રવ્યાપી શુદ્ધિકરણ: 2.5 કરોડ મૃતકોના આધાર નંબર નિષ્ક્રિય કરાયા
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ ‘આધાર’ની સુરક્ષા અને સચોટતા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અભિયાન હાથ ધર્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા અત્યાર સુધીમાં દેશના આશરે 2.5 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. ઓળખની ચોરી અને સરકારી યોજનાઓના લાભોનો દુરુપયોગ રોકવા માટે આ ‘સફાઈ અભિયાન’ ચલાવવામાં આવ્યું છે. તેમ કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી જીતિન પ્રસાદે લોકસભા માહિતી આપી હતી.
લોકસભામાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના આધાર નંબરનો ઉપયોગ કરીને થતી છેતરપિંડી કે અનધિકૃત રીતે કલ્યાણકારી યોજનાઓના લાભો મેળવવાની પ્રક્રિયાને અટકાવવી અનિવાર્ય છે. ઘણીવાર આધાર ધારકનું રહેઠાણ અને જ્યાં મૃત્યુની નોંધણી થઈ હોય તે રાજ્ય અલગ હોવાથી ડેટાબેઝને અપડેટ કરવો એક પડકારજનક પ્રક્રિયા છે. ઓળખની છેતરપિંડી અટકાવવા અને સરકારી સબસિડીના લીકેજને રોકવા માટે UIDAI એ અનેક સુરક્ષા સુવિધાઓ અમલી બનાવી છે.
હવે ફેસ ઓથેન્ટિકેશન દરમિયાન ‘લાઈવનેસ ડિટેક્શન’ ફીચરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી લાભાર્થીની ભૌતિક હાજરી સુનિશ્ચિત કરી શકાય. આધાર ધારક પોતે જ તેના બાયોમેટ્રિક્સને લોક કરી શકે છે, જેથી તેની જાણ બહાર કોઈ અંગૂઠા કે આખની કીકીના ડેટાનો ઉપયોગ ન કરી શકે. તમામ સંસ્થાઓ માટે આધાર નંબરોને એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં ‘આધાર ડેટા વોલ્ટ’માં સ્ટોર કરવા ફરજિયાત બનાવાયા છે. UIDAI ક્યારેય કોઈ પણ સંસ્થા સાથે આધાર ધારકની મુખ્ય બાયોમેટ્રિક માહિતી શેર કરતી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે UIDAI એ એક નવી આધાર એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા આધાર ધારક પોતાની વેરિફાઈડ વિગતો ઓફલાઈન વેરિફિકેશન સીકિંગ એન્ટિટીઝ સાથે સુરક્ષિત અને સીમલેસ રીતે શેર કરી શકશે. ઉપરાંત, ક્યુઆર કોડ અને ઈ-આધારના પ્રચાર દ્વારા ઓફલાઈન ઓળખ ચકાસણી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં આશરે 134 કરોડ સક્રિય આધાર ધારકો છે. ડેટાબેઝના નિયમિત ‘સેનિટાઈઝેશન’ દ્વારા સરકાર ડિજિટલ ઇકોસિસ્ટમને વધુ વિશ્વાસપાત્ર બનાવવા માંગે છે.
આ પણ વાંચોઃ સરકારી સેવામાં કાર્ય પ્રત્યેની વફાદારીથી વેતનની સાથે પ્રતિષ્ઠા પણ મળશે: ઋષિકેશ પટેલ


