
અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની ડ્રગ્સ કેસમાં એનસીબીએ કરી ધરપકડ
- અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈની ધરપકડ
- ઇકબાલ કાસકરની ડ્રગ્સ કેસમાં ધરપકડ
- એનસીબી દ્વારા કરાઈ ધરપકડ
દિલ્હી : અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. કુખ્યાત અન્ડરવર્લ્ડ ડોન ઇકબાલ કાસકરની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઇકબાલ કાસકરની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કાર્યવાહી હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બુધવારે થયેલી કાર્યવાહીના ભાગ રૂપે એનસીબીએ ઇકબાલ કાસકરની ધરપકડ કરી છે.
દાઉદ ઇબ્રાહિમની ડી કંપની વિરુદ્ધ એનસીબીની મુંબઈ ટીમ દ્વારા આ એક મોટી કાર્યવાહી માનવામાં આવી છે. કારણ કે આ કાર્યવાહીમાં દાઉદના ભાઈની સીધી ધરપકડ કરવામાં આવી છે. ઇકબાલ કાસકરની કસ્ટડી ડ્રગ્સ કેસમાં પ્રોડક્શન વોરંટ પર લેવામાં આવી છે. હાલમાં, એનસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ચરસના બે જથ્થા મળી આવ્યા હતા.આશરે 25 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
જ્યારે એનસીબીએ ચરસનો જથ્થો કબ્જે કર્યો ત્યારે બ્યુરોને આ મામલે ડી કંપનીની સંડોવણીના સમાચાર મળ્યા. પૂછપરછ અને તપાસ દરમિયાન, એનસીબીને માત્ર ડ્રગ્સની સપ્લાય અને વેચાણ વિશે જ જાણકારી મળી નહોતી, પરંતુ ડ્રગ્સની આવકમાંથી ટેરર ફંડિંગના નિશાન પણ મળી આવ્યા છે. આ રીતે, એનસીબીની તપાસમાં ડ્રગ્સ,ટેરર અને અન્ડરવર્લ્ડનું કનેક્શન સામે આવતાની સાથે જ એનસીબીએ તેની તપાસની ગતિ વધારી દીધી અને આ જ ક્રમમાં બુધવારે ડ્રગ કેસમાં ઈકબાલ કાસકરની ધરપકડ કરવામાં આવી છે.