
નીરજ ચોપડાને મળશે વિશેષ સન્માન, સેનાના આ સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટનું નામ તેમના નામ પરથી રાખવામાં આવશે
- નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ મેડલ
- નીરજ ચોપડાને મળશે વિશેષ સન્માન
- આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટનું બદલાશે નામ
- નીરજ ચોપડા સ્પોર્ટસ સ્ટેડીયમ તરીકે રખાશે
મુંબઈ :પુણે સ્થિત આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટનું નામ હવે બદલાશે. તેનું નામ ટોક્યો ઓલિમ્પિક -2020 માં ગોલ્ડ મેડલ જીતનાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાના નામ પર રાખવામાં આવશે. નીરજ સેનામાં સુબેદાર છે. અહેવાલ મુજબ, આ સંદર્ભે એક સમારોહ 23 ઓગસ્ટના રોજ યોજાશે, જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભાગ લેશે. આ પ્રસંગે રાજનાથ સિંહ સેનાના 16 ઓલિમ્પિયનોનું પણ સન્માન કરશે.
આ સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટની સ્થાપના 2002 માં મિશન ઓલિમ્પિક કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. તે એક મલ્ટી સ્પોર્ટસ સ્ટેડિયમ છે જેમાં તીરંદાજી, એથ્લેટિક્સ, બોક્સિંગ, ડાઇવિંગ, કુસ્તી, ફેન્સીંગ અને વેઇટલિફ્ટિંગનો સમાવેશ થાય છે.
અધિકારીએ કહ્યું કે “રાજનાથ સિંહ સેનાના 16 ખેલાડીઓનું સન્માન કરશે.જેમણે ટોક્યો ઓલિમ્પિક -2020 માં ભાગ લીધો હતો. તેમની હાજરીમાં જ આ સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટનું નામ નીરજ ચોપડા સ્પોર્ટ્સ સ્ટેડિયમ તરીકે રાખવામાં આવશે. આ સમારંભમાં સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે અને દક્ષિણ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જેએસ નૈન પણ હાજર રહેશે. રાજનાથ સિંહ સંસ્થામાં સામાન્ય સભામાં હાજરી આપશે.