
રાજકોટઃ શહેર ભાજપમાં નવા પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિયુકિત બાદ શહેર સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં જુના જોગીઓ સાથે નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ગાંધીનગર કમલમથી રાજકોટ શહેર પ્રમુખ સહિત 22 સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. અને હવે આગામી દિવસોમાં વિવિધ મોરચાથી છેક વોર્ડ કક્ષા સુધીની નવરચના પણ થશે તેવા સંકેત છે. લાંબા સમય પછી સક્રિય રાજકારણમાં ફરી એક વખત એન્ટ્રી મારનારા મુકેશ દોશીએ તેમની ટીમમાં એક તરફ નવા ચહેરા સાથે જુના જોગીઓને પણ યોગ્ય વજન આપ્યું છે. છ વર્ષથી ઉપપ્રમુખ રહેલા વિરેન્દ્રસિંહ ઝાલાને હવે અપગ્રેડ કરીને મહામંત્રી પદ અપાયું છે. આઇટી સેલમાં કામગીરી બજાવનાર માધવ દવેને પણ યુવા ચહેરા તરીકે મહામંત્રીનું સ્થાન આપ્યું છે. નવી નિમણૂંકોમાં લેઉવા પટેલ, બ્રાહ્મણ અને ક્ષત્રિયનું સંતુલન કરવામાં આવ્યું છે. જયારે ઉપપ્રમુખપદે ડોકટર સેલના કન્વીનર ડો.ચેતન લાલસેતાને સ્થાન અપાયું છે. ગત બોડીમાં મંત્રી તરીકે કામ કરી ચૂકેલા અનુ.જાતિના મહેશ રાઠોડને પણ ઉપપ્રમુખ બનાવાયા છે.
રાજકોટ શહેરના ભાજપના નવા માળખામાં મેયરના વોર્ડમાં રહેતા અને મુળ વાવડીના રાજદીપસિંહ જાડેજાની ઉપપ્રમુખ તરીકે એન્ટ્રી થઇ છે. જ્યારે રમેશભાઇ પરમાર તેમજ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા રમેશભાઇ પરમારને સ્થાન અપાયું છે. જયારે અન્ય ઉપપ્રમુખમાં હિતેષભાઇ ઢોલરીયા જે યુવા ભાજપના મહામંત્રી હતા તે ઉપરાંત દિવ્યાંગ માટે સામાજીક સંસ્થા પ્રયાસ ચલાવી રહેલા પુજાબેન પટેલને પણ શહેર ભાજપના ઉપપ્રમુખ બનાવાયા છે. નવી ટીમની રચનામાં એક તરફ રાજકોટના યુવા ધારાસભ્ય ઉદય કાનગડની ‘છાપ’ સ્પષ્ટ નજરે ચડે છે અને લાંબા સમય બાદ વોર્ડ નં.4ના પૂર્વ કોર્પોરેટર તથા ડે.મેયર રહી ચૂકેલા અશ્ર્વિન મોલીયાને ફરી એક વખત લાઇમ લાઇટમાં લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિધાનસભા 68માંથી ત્રણ કાર્યકર્તાને ઉપપ્રમુખનું સ્થાન મળ્યું છે. જયારે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી લાંબા સમયથી સામાજીક સંસ્થા સાથે સંકળાયેલા હતા તેમાં પણ અનેક નામોમાં તેની ઝલક દેખાઇ છે જેમાં પુજાબેન પટેલ ઉપરાંત ગો ગ્રીન વૃક્ષારોપણ ચળવળ સાથે સંકળાયેલા અને વોર્ડ નં.10ના પ્રમુખ વિજય પાડલીયાનો સમાવેશ થાય છે. ખાસ કરીને યુવા ભાજપમાં જેઓને અગાઉ હોદ્દા અપાયા હતા અને બાદમાં છીનવી લેવાયા હતા તથા પ્રમુખ સહિતના આ મોરચાના હોદ્દેદારોને પ્રમોશનની જે આશા હતી તે પણ ફળી નહીં કહેવાય છે.. જોકે પ્રમુખે લોપ્રોફાઇલ ટીમ બનાવીને આગામી સમયમાં પક્ષને આ સંગઠન સાથે દોડાવવો તે સૌથી મોટો પડકાર બની રહેશે તેવું મનાય છે.