
- પેરિસમાં કોરોનાના નવા વેરીએન્ટનો પગપેસારો
- ICU માં દર્દીઓ માટે બેડની અછત
- લોકડાઉન થવાની સંભાવના
નવી દિલ્લી: દેશ-દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ફ્રાંસમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.આ સાથે રાજધાની પેરિસમાં વાયરસના નવા સ્વરૂપને કારણે સંક્રમણની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. આને કારણે હોસ્પિટલના આઇસીયુમાં બેડ ઓછા પડી રહ્યા છે. કોરોના વેક્સીનના મર્યાદિત પુરવઠાને કારણે ફ્રાંસના વેક્સીનેશન અભિયાને પણ અસર થઇ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, પેરિસમાં લોકડાઉન લાદવામાં આવી શકે છે.
સપ્તાહના અંતમાં દર્દીઓને ખાસ તબીબી વિમાન દ્વારા પેરિસથી ઓછા પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ એજન્સીના વડા જેરોમ સોલોમોને રવિવારે કહ્યું હતું કે,જો અમારે લોકડાઉન કરવું પડે તો અમે પણ આવું કરીશું. હાલત જટિલ છે અને પેરિસ ક્ષેત્રમાં તે વધુ ખરાબ થઇ રહી છે. સોલોમોને સ્વીકાર્યું હતું કે,સંક્રમણના પ્રસારને કાબૂમાં કરવા માટે સાંજે છ વાગ્યા પછી દેશવ્યાપી કર્ફ્યુ કેટલાક વિસ્તારો માટે પૂરતો નથી.
ફ્રાંસની સરકાર લાંબા સમયથી કર્ફ્યુ દ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે સરકાર નવું લોકડાઉન લાદવાનું પણ ટાળી રહી છે, જેથી આર્થિક સ્થિતિ બગડતા બચાવી શકાય. આને કારણે દેશના રેસ્ટોરેન્ટ્સ અને અન્ય વ્યવસાયો લાંબા સમયથી બંધ પડેલા છે. પરંતુ સ્થાનિક રીતે વાયરસના ફેલાવાથી સંક્રમણ સામે લડવાની સરકારની વ્યૂહરચના પર સવાલો ઉભા થયા છે.
નેશનલ હેલ્થ એજન્સીના વડા જેરોમ સોલોમોને જણાવ્યું હતું કે, ફ્રાંસના આઈસીયુમાં કોવિડ -19 અને અન્ય બીમારીથી ગ્રસ્ત સૌથી વધુ લોકો દાખલ છે. આઈસીયુમાં લગભગ 6300 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.ફ્રાંસમાં કોવિડ -19 ને કારણે 90,315 લોકોનાં મોત નિપજ્યા છે, જે વિશ્વમાં કોરોનાથી થતાં મૃત્યુનો મોટો ભાગ છે.
-દેવાંશી