1. Home
  2. ગુજરાતી
  3. નીતિ આયોગનો રિપોર્ટ: 2017થી મહિલાઓના ક્રેડિટ એક્સપોઝરમાં 4.8 ગણો ધરખમ વધારો
નીતિ આયોગનો રિપોર્ટ: 2017થી મહિલાઓના ક્રેડિટ એક્સપોઝરમાં 4.8 ગણો ધરખમ વધારો

નીતિ આયોગનો રિપોર્ટ: 2017થી મહિલાઓના ક્રેડિટ એક્સપોઝરમાં 4.8 ગણો ધરખમ વધારો

0
Social Share

નવી દિલ્હી, 8 એપ્રિલ 2026: ભારતની અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી માત્ર નામ પૂરતી નહીં, પરંતુ પાયાના પથ્થર સમાન બની રહી છે. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા “ફ્રોમ બોરોઅર્સ ટુ બિલ્ડર્સ: વિમેન એન્ડ ઇન્ડિયાઝ ઇવોલ્વિંગ ક્રેડિટ માર્કેટ” રિપોર્ટની બીજી આવૃત્તિમાં ચોંકાવનારા અને પ્રોત્સાહક આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં મહિલા લોન લેનારાઓ હવે રૂ. 76 લાખ કરોડનો ક્રેડિટ પોર્ટફોલિયો ધરાવે છે, જે દેશના કુલ સિસ્ટમ ક્રેડિટના 26 ટકા જેટલો મોટો હિસ્સો છે.

નીતિ આયોગના સીઈઓ નિધિ છિબ્બર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં લોન્ચ થયેલા આ રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ 2017થી મહિલાઓના ક્રેડિટ એક્સપોઝરમાં 4.8 ગણો વધારો થયો છે. આ દર્શાવે છે કે મહિલાઓ હવે માત્ર નાની લોન પૂરતી સીમિત નથી, પરંતુ રિટેલ અને બિઝનેસ લોન ક્ષેત્રે પણ મજબૂત પકડ બનાવી રહી છે. 2017માં મહિલાઓનું કુલ બાકી ધિરાણ રૂ. 16 લાખ કરોડ હતું, જે 2025ના અંત સુધીમાં વધીને રૂ. 76 લાખ કરોડ થઈ ગયું છે.

રિપોર્ટ અનુસાર, મહિલાઓમાં ક્રેડિટ પેનિટ્રેશન 19 ટકાથી વધીને 36 ટકા થયો છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવતી બિઝનેસ લોનમાં 2022-25 વચ્ચે 31 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર નોંધાયો છે, જે પુરુષો અથવા એકંદર માર્કેટ કરતા ઘણો વધારે છે. માઇક્રોફાઇનાન્સ લોન લેતી 19 ટકા મહિલાઓ હવે પર્સનલ અથવા બિઝનેસ લોન તરફ વળી રહી છે, જે તેમની વધતી આર્થિક ક્ષમતા સૂચવે છે. હાઉસિંગ લોન લેનારી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે, જે સાબિત કરે છે કે ભારતમાં મહિલાઓમાં મિલકતની માલિકી વધી રહી છે.

નીતિ આયોગના સીઈઓ નિધિ છિબ્બરે જણાવ્યું હતું કે, જ્યારે બજારોમાં મહિલાઓની ભાગીદારી વ્યાપક બને છે ત્યારે જ સાચો આર્થિક વિકાસ થાય છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઇનાન્સના સમન્વયથી મહિલાઓ હવે એન્ટ્રી-લેવલ ક્રેડિટથી આગળ વધી આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે મહિલાઓની ધિરાણ સુધીની પહોંચ હવે માત્ર દક્ષિણ કે પશ્ચિમના રાજ્યો પૂરતી મર્યાદિત નથી. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પણ મહિલા લોન લેનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ગોલ્ડ લોન અને પર્સનલ લોન સૌથી લોકપ્રિય પ્રોડક્ટ્સ રહી છે. ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન લોન સર્વિસિંગને કારણે મહિલાઓ માટે અનૌપચારિક ધિરાણ (સાહુકારો) માંથી મુક્તિ મેળવી ઔપચારિક બેંકિંગ સિસ્ટમમાં જોડાવું સરળ બન્યું છે. આ રિપોર્ટ નીતિ આયોગના વિમેન એન્ટરપ્રેન્યોરશિપ પ્લેટફોર્મ હેઠળ ટ્રાન્સયુનિયન CIBIL અને માઈક્રોસેવ કન્સલ્ટિંગ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં 16 કરોડ મહિલાઓના ક્રેડિટ ડેટા અને ગ્રામીણ વિસ્તારોની 161 મહિલા સાહસિકોના પ્રત્યક્ષ અનુભવોને ધ્યાને લેવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code