1. Home
  2. ગુજરાતી
  3. નીતિશકુમાર રાજ્યસભામાં જશે, સીએમ પદ છોડવાની કરી જાહેરાત
નીતિશકુમાર રાજ્યસભામાં જશે, સીએમ પદ છોડવાની કરી જાહેરાત

નીતિશકુમાર રાજ્યસભામાં જશે, સીએમ પદ છોડવાની કરી જાહેરાત

0
Social Share

પટના, 5 માર્ચ 2026: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને છેલ્લા 24 કલાકથી ચાલી રહેલી અનેક અટકળોનો હવે અંત આવી ગયો છે. સીએમ પદ છોડીને તેઓ રાજ્યસભામાં જશે તેવી ચર્ચાઓ પર હવે ખુદ સીએમ નીતિશ કુમારે મહોર મારી દીધી છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુખ્યમંત્રી પદ છોડવાની અને રાજ્યસભામાં જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. દરમિયાન હવે બિહારમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. બિહારમાં ભાજપના નેતાને સીએમ બનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ નીતિશકુમારના દીકરાને નવા સીએમ બનાવવામાં આવે તેવી અટકળો પણ વહેતી થઈ છે.

નીતિશ કુમારે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “સંસદીય જીવનની શરૂઆતથી જ મારા મનમાં એક ઈચ્છા હતી કે હું બિહાર વિધાનમંડળના બંને ગૃહોની સાથે સંસદના પણ બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)નો સભ્ય બનું. આ જ ક્રમમાં, આ વખતે યોજાઈ રહેલી ચૂંટણીમાં હું રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું. બિહારમાં બનનારી નવી સરકારને મારો સંપૂર્ણ ટેકો રહેશે.”

બિહારમાં ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે તેમણે રાજ્યની જનતાનો આભાર માનતા લખ્યું કે, “છેલ્લા બે દાયકાથી વધુ સમયથી તમે મારો સતત સાથ આપ્યો છે અને મારા પર વિશ્વાસ મૂક્યો છે. આ જ બળ પર અમે સંપૂર્ણ નિષ્ઠાથી બિહારની સેવા કરી છે. તમારા વિશ્વાસ અને સમર્થનની તાકાતથી જ બિહારે આજે વિકાસ અને સન્માનના નવા આયામો સર કર્યા છે.” તેમણે જનતાને વિશ્વાસ અપાવતા વધુમાં કહ્યું કે, “ભવિષ્યમાં પણ આપણો આ સંબંધ જળવાઈ રહેશે અને એક વિકસિત બિહાર બનાવવાનો મારો સંકલ્પ કાયમ રહેશે. રાજ્યમાં જે પણ નવી સરકાર બનશે તેને મારું સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ મળશે.”

નોંધનીય છે કે, નીતિશ કુમારના આ નિર્ણય અંગે મંગળવારથી જ અટકળોનું બજાર ગરમ હતું. જોકે, બુધવારે સાંજથી આ અટકળોમાં ભારે તેજી આવી હતી. આ સમાચાર સામે આવતાની સાથે જ નીતિશ કુમારના સમર્થકો સીએમ હાઉસની બહાર મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા હતા. આ દરમિયાન સીએમ હાઉસ બહાર પોલીસ અને સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી હતી. સમર્થકોની ભારે ભીડ અને સૂત્રોચ્ચાર બાદ, સ્થિતિ સ્પષ્ટ કરવા માટે ખુદ નીતિશ કુમારે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકીને તમામ ચર્ચાઓનો અંત લાવી દીધો છે.

આ પણ વાંચોઃ લક્ષ્ય સેને ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિશ્વના નંબર 1 શી યુકીને હરાવ્યો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code