હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી, ગુજરાતમાં હીટવેવની સંભાવના નહીં
- દેશમાં ગરમીનો પારો વધ્યો
- ગુજરાતમાં પણ ગરમીનો અનુભવ થયો
- ગુજરાતમાં હીટવેવની સંભાવના નહીં
અમદાવાદ: દેશભરમાં અત્યારે ગરમીનો પારો વધ્યો છે. મોટાભાગના રાજ્યોમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હાલ હીટવેવની સંભાવનાને હવામાન વિભાગે નકારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.
અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ રહેશે. તો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઇ શકે છે. શનિવારથી સોમવાર સુધી રાજ્યમાં ગરમી રહેશે, તો કેટલાક વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે.
રાજ્યભરમાં એક અઠવાડિયાથી જોવા મળી રહેલી હીટવેવની અસર જરા ઠંડી પડી છે એટલે કે ગરમીનો પારો ગગડ્યો છે અને તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.
સામાન્ય રીતે હોળી બાદ ગુજરાતમાં ગરમીની શરુઆત પડતી હોય છે. જો કે આ વર્ષે માર્ચ મહીનાની શરુઆતથી જ કાળઝાળ ગરમી શરુ થઇ ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી તો ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.