
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઉકળાટ છતાં વરસાદ પડતો નથી, શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી,
અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાદળો ગોરંભાયા છે, અને ઉકળાટ પણ વધ્યો છે. પણ વરસાદ પડતો નથી. લોકો ઘણા દિવસથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેચાતા ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડુતો ચિંતિત બન્યા છે. જો કે રાજ્યના હવામાન વિભાગે આગામી 26મી જુલાઈ સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે, પરંતુ જુલાઈ મહિનાના 22 દિવસ વિતી ગયા છતાંયે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ હજુ પડ્યો નથી. આકાશમાં વાદળો ઘટાટોપ બનીને ગોરંભાયા છે. તેમજ અસહ્ય બફારો અનુભવાય રહ્યો છે. છતાંયે વરસાદ પડતો નથી. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે 26મી જુલાઈ સુધી સતત 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લોકો ભયંકર બફારાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસાની ઋતુમાં ઠંડક પ્રસરી જવાને બદલે મહત્તમ તાપમાન 33-34 ડિગ્રી સેલ્સિયસ રહે છે, હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા ભારે ઉકળાટ પણ અનુભવાય રહ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હ્યુમિડિટીનું પ્રમાણ પણ 60થી 70 ટકા નોંધાયુ છે. ત્યારે હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર આજથી મધ્યપ્રદેશ તરફથી લો પ્રેશરની અસર ગુજરાત તરફ આગળ વધતાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થશે. 26મી જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.