
પાલનપુરઃ રાજસ્થાન તરફથી તીડના ટોળાં ગુજરાત ભણી એટલે કે બનાસકાંઠા જિલ્લા કરફ આવી રહ્યા હોવાના વાવડ મળતા જ જિલ્લાનું વહિવટી તંત્ર ઉપરાંત કૃષિ વિભાગે પણ તીડ કૃષિપાકને નુકશાન ન કરે તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને આ બાબતની રાજસ્થાન સરકારને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન બનાસકાંઠા વાવના સરહદીયા મિઠાવી ચારણમાં તીડ નહીં પરંતુ ગ્રાસ હોપર્સ નામના જીવજંતુ આવ્યા હોવાની જાણકારી મળી હતી, ખેડૂતો તીડ હોવાનો દાવો કરતાં હતા, ભારત સરકારની તીડ નિયંત્રણ ટીમ સરહદીય વિસ્તારમાં પહોંચી અને ખેતરોમાં સર્વે કર્યો હતો. સર્વે દરમિયાન સામે આવ્યું કે આ તીડ નથી. આ ગ્રાસ હોપર્સ નામના જીવજંતુ છે. તીડ ન હોવાનું જાણવા મળતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર કુદરતી સંકટના એંધાણ વર્તાઈ રહ્યા હતા. રાજસ્થાન તરફથી તીડ ટોળાં આવી રહ્યાના વાવડ મળતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. ખેડૂતોને ભય હતો કે, જો તીડનું ટોળું આક્રમણ કરશે તો તેમના ઊભા પાક પર મોટો ખતરો આવી શકે છે. જિલ્લાના વાવના સરહદીય મિઠાવી ચારણમાં તીડ આવ્યા હોવાના ખેડૂતોના દાવાને પગલે ભારત સરકારની તીડ નિયંત્રણ ટીમ સરહદીય વિસ્તારમાં પહોંચી હતી. ખેડૂતોના દાવા મુજબ તીડ હોવાના પગલે સરપંચે કલેકટર અને તીડ નિયંત્રણની ટીમને જાણ કરી હતી. તીડ નિયંત્રણની ટીમે અને ગ્રામ સેવકો દ્વારા મીઠાવી ચારણના ખેતરોમાં સર્વે હાથ ધર્યો હતો. એકલ દોકલ માત્રામાં તીડ જેવા જીવજંતુ દેખાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. તીડ નિયંત્રણ ટીમના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ તીડ નથી પણ જીવ જતું ગ્રાસ હોપર્સ છે. તીડ ન નીકળતા ખેડૂતોએ રાહતનો દમ લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તીડની લગભગ 12 જેટલી પ્રજાતિઓ છે. તીડનું જીવનકાળ 3થી 5 મહિના સુધીનું હોય છે. તીડનાં જીવનચક્રનાં ત્રણ તબક્કા હોય છે. તીડનું અંગ્રેજી નામ શોર્ટ હોર્નએડ ગ્રાસ હોપર છે. લેટિનમાં સિસ્ટૉસેરકા ગ્રેગરિયા કહેવાય છે. વિશ્વનાં 30 જેટલાં દેશમાં તીડ ઈંડા મુકતા હોય છે. અફ્રિકાનાં સૂકા રણમાં પણ તીડ જોવા મળતા હોય છે.