ઓડિશાઃ 1.10 કરોડનું ઈનામ ધરાવતો ટોપ માઓવાદી કમાન્ડર ગણેશ ઠાર મરાયો
ભુવનેશ્વર, 25 ડિસેમ્બર 2025: OdishaEncounter દેશમાં નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષાદળોની કાર્યવાહીને પગલે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. દરમિયાન ઓડિશા પોલીસને આજે મોટી સફળતા મળી છે. ટોચના માઓવાદી નેતા ગણેશ ઉઈકેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓડિશાના કંધમાલ જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ભારતભરમાં વોન્ટેડ એવા ટોપ માઓવાદી નેતા ગણેશ ઉઈકે સહિત ચાર નક્સલીઓ માર્યા ગયા છે. ગણેશ ઉઈકે પર સરકારે રૂ. 1.10 કરોડનું માતબર ઈનામ જાહેર કરેલું હતું. નક્સલવાદ વિરોધી અભિયાનમાં આ વર્ષની સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે.
- કેન્દ્રીય સમિતિનો સભ્ય અને ઓડિશાનો ચીફ હતો ઉઈકે
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઠાર મરાયેલ ગણેશ ઉઈકે પ્રતિબંધિત સંગઠન CPI (માઓવાદી) ની કેન્દ્રીય સમિતિનો સક્રિય સભ્ય હતો. તે ઓડિશામાં સંગઠનનું તમામ સંચાલન સંભાળતો હતો અને રાજ્યમાં નક્સલી પ્રવૃત્તિઓનો મુખ્ય સૂત્રધાર હતો. સુરક્ષાદળો લાંબા સમયથી તેની શોધમાં હતા, કારણ કે તે રાજ્યમાં સુરક્ષા દળો પર થતા હુમલાઓનું માસ્ટરમાઇન્ડ ગણાતો હતો.
કંધમાલ જિલ્લાના ગાઢ જંગલોમાં નક્સલીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જવાનોને નજીક આવતા જોઈ નક્સલીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ વ્યૂહાત્મક રીતે હુમલો કરીને ગણેશ ઉઈકે અને તેના અન્ય ત્રણ સાથીઓને સ્થળ પર જ ઠાર કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉઈકે અને તેની ટીમ કોઈ મોટી હિંસક ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતી. તેના મૃત્યુથી ઓડિશા અને પાડોશી રાજ્યોમાં માઓવાદી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. એન્કાઉન્ટર બાદ ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને નક્સલી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન જારી છે.
આ પણ વાંચોઃ નાયબ મામલતદારે ED સમક્ષ વટાણા વેરી દીધા, કરોડોના કૌભાંડની તપાસમાં ACBએ પણ ઝંપલાવ્યું


