
સૌરાષ્ટ્રમાં વધુ એક સાવજનું અપમૃત્યુ, અમરેલી-ચલાલા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહબાળનું મોત
અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયન લાયનનું ઘર ગણાતા ગીર જંગલમાં સાવજોના અપમૃત્યુના બનાવોને અટકાવવા માટે સરકાર અને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન અમરેલીમાં રેલવે ટ્રેક પાસે એક સિંહબાળનું ટ્રેનની અડફેટે મોત થયાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી, ગીર અને ધારી જંગલ વિસ્તારમાં સિંહ ભ્રણ કરતા હોય છે ત્યારે કેટલાક વાર સિંહો સાથે દુર્ઘટના સર્જાતી હોય છે દરમિયાન અમરેલી -ચલાલાના રેલ્વેટ્રેક ઉપર ટ્રેનની અડફેટે એક સિંહબાળનું મોત થયું હતું. આ ઘટનામાં અન્ય 3 સિંહનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા જ પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના DCF સહિત વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સિંહબાળ 6-7 મહિનાનું હતું.
આ અકસ્માત બાદ જૂનાગઢથી અમરેલી જઈ રહેલી પેસેન્જર ટ્રેન દોઢ કલાક સુધી ત્યાં જ રોકવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ટ્રેનના પાયલટ સહિત અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ભૂતકાળમાં ટ્રેનની અડફેટે આવીને કે કૂવામાં ખાબકીને પડી જતા સિંહના મોત થયા હોવાની ઘટના બની છે. અંધારામાં સિંહને એ ખ્યાલ નથી આવતો કે આગળ શું છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.
(PHOTO-FILE)