
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, ખેડબ્રહ્માના ચાર કોંગ્રેસ સદસ્યો ભાજપમાં જોડાયા
- ખેડબ્રહ્મામાં કોંગ્રેસના ચાર સદસ્યો ભાજપમાં જોડાયા
- ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો
- ભાજપને ફાયદો થવાની સંભાવના
ઈડર: ગુજરાત રાજ્યમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સત્તાના દાવપેચ રમવાના કાવતરા ચાલુ થઈ રહ્યા છે. તેવા સમયે ખેડબ્રહ્મા નગરપાલિકામાં વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા અને હાલમાં નગરપાલિકાના પ્રમુખ તરીકેની સત્તા સંભાળી રહેલ સાગરભાઈ પટેલ સહિતના ચાર સદસ્યોએ ભગવો ધારણ કરતા સાબરકાંઠાના રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
હિંમતનગર ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયના જિલ્લા પ્રમુખ જે.ડી. પટેલની ઉપસ્થીતિમાં ખેડબ્રહ્મા નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ સહિત કેટલાક કોંગ્રેસ સદસ્યો ભાજપમાં જોડાયા હતા. જેમાં નગરપાલિકા પ્રમુખ સાગરભાઈ પટેલ, નગરપાલિકા દિવાબત્તી ચેરમેન ઈશ્વરભાઈ વણઝારા, નગરપાલિકા ટાઉન હોલ સમિતિ ચેરમેન મીનાબેન પ્રજાપતિ, ગુમસ્તાધારા સમિતિ ચેરમેન પુસ્પાબેન સોની સહિતના સદસ્યોએ ભગવો ધારણ કરી કેસરિયો ખેસ અપનાવ્યો હતો.
નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ ભાજપે શાસન ભોગવ્યું હતું પરંતુ બે સભ્યોએ બળવો કરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો જેથી પાછળના અઢી વર્ષ માટે કોંગ્રેસે બહુમતી મેળવી હતી.
મળતી માહિતી મુજબ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની ખેંચતાણ અને જુથવાદના કારણે કેટલાક કાર્યકર્તાઓ નારાજ હતા. આ સિવાય ખેડબ્રહ્મા નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવ્યા બાદ પણ આંતરિક જુથવાદના કારણે પ્રમુખ સહિતના કેટલાક સદસ્યોએ નરાજગી વ્યક્ત કરી હતી.
હવે ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપના ૧૬ જ્યારે કોંગ્રેસના ૧૨ સભ્યો થતા ભાજપે ફરીથી સત્તા હાંસલ કરતા કાર્યકર્તાઓમાં આનંદની લાગણી ઉદભવી હતી અને સરદાર ચોક ખાતે ફટાકડા ફોડી આ વિજયને બંધાવ્યો હતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને વધાવ્યા હતા.