
ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શેરથા ટોલનાકા પાસે ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો હતો. શેરથા ટોલટેક્સ નજીક માતેલા સાંઢની માફક પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને આગળ જતાં ટ્રેકટરને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાતાં ટ્રેકટર સવાર બે મિત્રો પૈકી એકનું ગંભીર ઈજાઓ થવાથી મોત નિપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, કલોલ તાલુકાના શેરીશા ગામમાં નુરમોહમદ વલીભાઈ મોમીન ખેતી કરી ગુજરાન ચલાવે છે. ગઈકાલે નુરમોહમદ અને તેનો મિત્ર મિત્ર વલીભાઈ મોહમ્મદભાઈ મોમીન ટ્રેકટરને સર્વિસ કરાવવા શેરીશા ગામેથી ચિલોડાના શોરૂમ ખાતે ગયા હતા. બાદમાં ટ્રેકટર સર્વિસ કરાવી બંને મિત્રો ઘરે પરત જવા માટે નિકળ્યા હતા. તે વખતે ગાંધીનગર અડાલજ થઈ શેરથા ટોલટેકસથી આગળ શેરથા કટ પાસે પુરોહિત હોટલમાં જમવા માટે ઉભા હતા. જ્યાં બંને જમી પરવારી આશરે બપોરના સવા એક વાગે ટ્રેક્ટર ચલાવી હાઇવે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન માતેલા સાંઢની માફક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને ટ્રેકટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત થતાં જ બંને મિત્રો ટ્રેકટરમાંથી ઉછળીને રોડ પર પટકાયા હતા. જેમાં નુરમોહમદને જમણા પગે ઇજાઓ થઇ હતી. જ્યારે તેના મિત્ર વલીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બાદમાં ગંભીર હાલતમાં વલીભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સી.એચ.સી.કલોલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વલીભાઈને મૃત જાહેર કર્યા હતા. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.