
વડોદરામાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાત ઝૂંબેશ, અધિકારીઓને ટાર્ગેટ અપાયા
વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની આવક વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં વર્ષોથી જે લોકોના વેરા બાકી છે, તેમની પાસેથી કડક વસુલાત કરવાના મ્યુનિ.કમિશનરે આદેશ આપ્યા છે. આમ મ્યુનિ. દ્વારા વેરા વસૂલાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરો સાથે બેઠક કરી હતી. જેમાં માર્ચના અંત સુધીમાં 95 ટકાથી વધુ વેરા વસૂલાતની સૂચના આપવામાં આવી હતી.
વડોદરા શહેરમાં ઘણાબધા લોકોનો મિલ્કત વેરો બાકી છે. ગત વર્ષે કોરોનાને કારણે કોમર્શિયલ મિલ્કતોના વેરાની પુરતી વસુલાત થઈ શકી નહતી. શહેરના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે મિલકત વેરો, વ્યવસાય વેરો અને વાહન વેરાની વસૂલાત અંગે રિવ્યુ કર્યો હતો. જેમાં વોર્ડ નંબર 1થી 12માં અત્યાર સુધીમાં 80 ટકા વેરાની વસૂલાત થઈ છે, તેવી જાણકારી મેળવી હતી. જેથી બેઠક દરમિયાન માર્ચના અંત સુધી દરેક વોર્ડની 95 ટકાથી વધુ વસૂલાત થાય તેવા પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવ્યા છે.
મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે, કોર્પોરેશને નક્કી કરેલા લક્ષ્યાંક કરતા વધુ વેરાની વસૂલાત કરવામાં આવે. જેથી હાલની વર્તમાન અને જૂની બાકી વસુલાતની રકમ પણ વસૂલાત કરી શકાય અને કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવે અને જરૂર પડે તો પાણી ડ્રેનેજના પણ કનેક્શન કાપવામાં આવે તેવી સૂચના અધિકારીઓને આપી છે.
શહેરના મ્યુનિ. કમિશનરે વેરા વસુલાત અંગે કરેલી કાર્યવાહીની સમીક્ષા કરતા તાજેતરમાં વેરા વસુલાતની ઝુંબેશમાં 750 મિલકતોને સીલ મારવામાં આવ્યા હતા અને બાકીદારો પાસેથી રૂપિયા 5 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકત વેરા અંગે રૂપિયા 480 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમાં મિલકત વેરો, વ્યવસાય વેરો અને વાહન વેરાની કુલ મળી રૂપિયા 400 કરોડની વસૂલાત થઈ હોવાની માહિતી વોર્ડ ઓફિસરો દ્વારા રજૂ કરવામાં આવી હતી.