
નવી દિલ્હીઃ કેન્યામાં ભારે વરસાદને પગલે જીનજીવન ખોરવાયું છે, તેમજ અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. કેન્યામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન કેન્યાના પશ્ચિમ વિસ્તારમાં ડેમ તૂટવાની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ દૂર્ઘટનામાં 40થી વધારે વ્યક્તિઓના મોત થયાનું ચર્ચાય રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આફ્રિકન દેશ કેન્યાના પશ્ચિમી વિસ્તારમાં એક ડેમ તૂટી પડવાને કારણે ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. આ અંગેની માહિતી કેન્યા પોલીસે આપી છે. પોલીસ અધિકારી સ્ટીફન કિરુઈએ એસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ડેમ તૂટ્યા બાદ પૂરના પાણી ઘરોમાં ઘુસી ગયા હતા અને મુખ્ય રસ્તા સુધી પહોંચવાનું બંધ કરી દીધું હતું. પરિસ્થિતિ કાબૂ બહાર છે અને લોકોને મદદ પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગ્રેટ રિફ્ટ વેલી ક્ષેત્રના માઇ માહિયુ વિસ્તારમાં સ્થિત જૂના કિજાબે ડેમના ભંગાણ બાદ આ ઘટના સોમવારે સવારે બની હતી. ગ્રેટ રિફ્ટ વેલી ક્ષેત્રમાં અચાનક પૂરનું જોખમ રહેલું છે. ડેમ તૂટ્યા બાદ પાણી નીચે તરફ વહેવા લાગ્યું હતું. કેન્યામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. પૂરના કારણે અત્યાર સુધીમાં લગભગ 100 લોકોના મોત થયા છે.
કેન્યાના હવામાન વિભાગે મહિનાની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે કેન્યામાં મે સુધી મુશળધાર વરસાદ પડી શકે છે. આ સિવાય બુરુન્ડીમાં લગભગ એક લાખ લોકો વિસ્થાપિત થયા છે અને તાન્ઝાનિયામાં 58 લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે. ગયા વર્ષના અંતમાં પૂર્વ આફ્રિકામાં વરસાદની મોસમ દરમિયાન રેકોર્ડ પૂર આવ્યું હતું.