
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી, ખારાઘોડા, ઝીંઝુવાડા સહિતનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલુ છે. રણના અફાટ વિસ્તારમાં વિદેશી પક્ષી તેમજ ઘુડખર અભ્યારણ્ય આવેલુ છે. ધૂડસરને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા. ઘૂડસર અભ્યારણ્ય 16મી જુનથી 15મી ઓક્ટોબર સુધી પર્યટકો માટે બંધ રહેશે. હાલ ચોમાસા દરમિયાન ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિયડ ચાલતો હોવાથી તેને ખલેલ ન પડે તે માટે ઘૂડસર અભ્યારણ્ય 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે.
કચ્છના નાના રણમાં ઘૂડખરની છેલ્લે કરાયેલી ગણતરી મુજબ ઘૂડસરની સંખ્યા 6082 નોંધાઇ હતી. ત્યારે હાલમાં રક્ષિત પ્રાણી એવા ઘૂડખરોનો બ્રિડિંગનો સમય છે. એટલે ઘૂડખર અભયારણ્યમાં તમામ માટે પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. ઘૂડખર અભયારણ્ય 16 જૂનથી 15 ઓક્ટોબર-2024 સુધી 4 મહિના તમામ વ્યક્તિઓ કે પ્રવાસીઓ માટે બંધ રહેશે. ચોમાસાની સિઝન શરૂ થતા દુર્લભ ગણાતા ઘૂડખર માટે બ્રિડિંગનો સમયગાળો શરૂ થાય છે.આથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારો સહિત તમામ વ્યક્તિઓ અને પ્રવાસીઓ માટે ઘૂડખર અભયારણ્યમાં પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તા. 16-6-2024થી 15-10-2024 સુધી 4 મહિના સુધી ઘૂડખર અભયારણ્યમાં કોઇને પણ પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે નહીં. છતાં કોઇ વ્યક્તિ કે પ્રવાસી આ રક્ષિત વિસ્તારમાં પ્રવેશ કરશે તો અભયારણ્ય વિભાગ દ્વારા વન્ય સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અભ્યારણ્યમાં કોઈ વ્યક્તિ દ્વારા પ્રવેશ કરવામાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવશે.