
તાલિબાનો માટે પાકિસ્તાન બંધ કરી શકે છે તેના દરવાજા, બંને દેશો વચ્ચે તણાવ વધવાની સંભાવના
- પાકિસ્તાન માટે ઉભા થઈ શકે છે નવા પડકારો
- તાલિબાન સાથે ઉભો થઈ શકે છે તણાવ
- અમેરિકાનું સૈન્ય ફરી રહ્યું છે પરત
નવી દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં હાલ જે રીતે અમેરિકાનું સૈન્ય પરત ફરી રહ્યું છે તેને લઈને વિશ્વના અનેક દેશો ચિંતામાં છે. અફ્ઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પરત ફરતા જ તાલિબાનનો ત્રાસ વધવાની સંભાવનાઓ જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેની અસર વધારે પડતી પાકિસ્તાન પર પડી શકે તેમ છે.
આ બાબતે પાકિસ્તાન દ્વારા પણ આગમચેતી પગલા લેવામાં આવી શકે તેમ છે અને તાલિબાન માટે પોતાના દેશના દરવાજા બંધ કરી શકે તેમ છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળો પાછા હટી ગયા બાદ તાલીબાનોનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. એકમાત્ર ભારતના રાજદ્વારી પ્રયાસોના કારણે તાલીબાનોની આગેકુચ અટકી છે પરંતુ પાકિસ્તાન તો પાણીમાં બેસી ગયું હોય તેવું દેખાય છે.
પાકિસ્તાનના જાણકારો અને રાષ્ટ્રીય સલાહકારો અનુસાર તાલિબાન અફ્ઘાનિસ્તાનની આંતરિક શાંતિને વધારે બગાડી શકે છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનની સરકાર વિરુદ્ધ અનેક પ્રકારના હૂમલા કરવામાં આવ્યા છે અને તેના તાલિબાન અન્ય ક્ષેત્રમાં પણ જો પોતાનું પ્રભુત્વ જમાવશે તો અફઘાનિસ્તાનના અન્ય દેશો સાથે આંતરરાષ્ટ્રિય સંબંધો પણ વધારે બગડી શકે તેમ છે.
જો વાત કરવામાં આવે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે તો પાકિસ્તાન આખુ દેવા નીચે દબાયેલું છે અને તાલિબાનની પાકિસ્તાનમાં પ્રવૃતિઓ પાકિસ્તાન માટે વધારે મુશ્કેલીઓ પણ ઉભી કરી શકે તેમ છે.
આ બાબતે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશીએ જણાવ્યું હતુ કે જો તાલીબાનો કાબુલ સહિત આખા દેશનો કબજો લઈ લેશે તો પાકિસ્તાન તેની સરહદના દરવાજા બંધ કરી દેશે અને પાકિસ્તાનમાં 35 લાખ અફઘાન શરણાર્થીઓ પહેલેથી આશરો લઈ રહ્યાં છે. હવે વધુ કોઈ અફઘાનિઓને સ્વીકારવાની પાકિસ્તાનની તૈયારી નથી.
તાજેતરમાં તાલીબાનોએ દક્ષિણ અને ઉત્તર અફઘાનિસ્તાનના ઘણા બધા જિલ્લાઓ કબજે કરી લીધા છે. એટલે ત્યાંથી ડરીને ફરી એકવખત અફઘાનિઓની હિજરત શરૂ થઈ જવાની સંભાવના છે. એટલે પાકિસ્તાને અત્યારથી હાથ ઉંચા લઈ લીધા છે.