1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં હવે એરપોર્ટ અને પાવર સેક્ટરના ખાનગીકરણની તૈયારીઓ
પાકિસ્તાનમાં હવે એરપોર્ટ અને પાવર સેક્ટરના ખાનગીકરણની તૈયારીઓ

પાકિસ્તાનમાં હવે એરપોર્ટ અને પાવર સેક્ટરના ખાનગીકરણની તૈયારીઓ

0
Social Share

ઈસ્લામાબાદ, 24 ડિસેમ્બર 2025 : Pakistan economic crisis આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાને તેની રાષ્ટ્રીય એરલાઇન્સ ‘પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ’ (PIA) ના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આરિફ હબીબ કન્સોર્ટિયમે 135 અબજ પાકિસ્તાની રૂપિયા (આશરે રૂ. 4317 કરોડ) ની સૌથી ઊંચી બોલી લગાવીને PIA ને ખરીદી લીધી છે. PIA ના વેચાણ બાદ હવે પાકિસ્તાન સરકાર અન્ય સરકારી મિલકતોના વેચાણ માટે પણ કમર કસી રહી છે.

PIA માટે બોલી લગાવનાર આરિફ હબીબ ગ્રુપ ચાર કંપનીઓનું એક જૂથ છે, જે ફર્ટિલાઈઝરથી લઈને શિક્ષણ ક્ષેત્ર સુધી વિસ્તરેલું છે. ખાનગીકરણ સલાહકાર મુહમ્મદ અલીએ જણાવ્યું હતું કે સરકારને આશરે 120 અબજ રૂપિયાની બોલીની અપેક્ષા હતી, પરંતુ તેનાથી વધુ સારી કિંમત મળી છે. આ સોદાના 125 અબજ રૂપિયા સીધા PIA ને મળશે, જે સંસ્થાને દેવામાંથી બહાર લાવવા અને ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે.

·         ન્યૂયોર્ક અને પેરિસની હોટલો વેચાણમાંથી બાકાત

સરકારે સ્પષ્ટ કર્યું છે કે PIA ના ખાનગીકરણમાં ન્યૂયોર્ક અને પેરિસમાં આવેલી તેની કિંમતી હોટલોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ મિલકતો હજુ પણ સરકાર હસ્તક જ રહેશે. હાલમાં PIA પાસે 18 વિમાનો કાર્યરત છે, અને ખાનગી ગ્રુપ હવે તેના માટે વ્યૂહાત્મક ભાગીદારો શોધવાની પ્રક્રિયા શરૂ કરશે.

·         હવે એરપોર્ટ અને એનર્જી સેક્ટરનો વારો

ખાનગીકરણ સલાહકાર મુહમ્મદ અલીએ સરકારના ભાવિ પ્લાન વિશે જણાવતા કહ્યું કે, લાહોર, ઈસ્લામાબાદ અને કરાચીના એરપોર્ટને પણ ટૂંક સમયમાં ખુલ્લી હરાજી દ્વારા ખાનગી હાથોમાં સોંપવામાં આવશે. વધુમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જ્યાં સુધી ઉર્જા ક્ષેત્ર (Energy Sector) નું ખાનગીકરણ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં મોટો સુધારો શક્ય નથી.

પાકિસ્તાન સરકારને આશા છે કે 2026 સુધીમાં આ ખાનગીકરણના સકારાત્મક પરિણામો જોવા મળશે. અત્યાર સુધી જે સંસ્થાઓની ખોટ સરકારને વેઠવી પડતી હતી, તે હવે ખાનગીકરણ બાદ સરકારને ટેક્સ દ્વારા કમાણી કરી આપશે. છેલ્લા ઘણા વર્ષોથી એરલાઇન્સ વેચવાના પ્રયાસો ચાલી રહ્યા હતા જે આખરે સફળ થયા છે.

આ પણ વાંચોઃ ઢસા-ગઢડા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત, એક ગંભીર

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code