દિલ્હી:થોડા દિવસ પહેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી વચ્ચે થયેલી મુલાકાત બાદ પાકિસ્તાન માત્ર પોતાના ગુડ જેસ્ચરને અંતર્ગત ભારતના કેટલાક માછીમારોને મુક્ત કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની સરકાર દ્વારા આ કામ 12 મે અને 14 મે ના રોજ કરવામાં આવી શકે છે. 12મે એટલે કે પહેલા તબક્કામાં 200 અને તે બાદ 14 મે ના રોજ 400 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવી શકે છે.પાકિસ્તાને દાવો કર્યો હતો કે, માછીમારોએ સમુદ્રી સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. તેને લઈને આ લોકોને કેદમાં રાખવામાં આવ્યા હતા.
વિદેશમંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને પોતાના સમકક્ષ બિલાવલ ભુટ્ટો-જરદારીની હાજરીમાં એસસીઓની બેઠકમાં કહ્યું કે, કોઈ પણ ભેદભાવ વિના આતંકવાદને તમામ સ્વરુપ અને તેના નાણાકીય પોષણને રોકવા જોઈએ.
હકીકતમાં બિલાવલ છેલ્લા 12 વર્ષમાં હિન્દુસ્તાનની મુલાકાતે આવનારા પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી છે. વર્ષ 2011માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે ભારતની મુલાકાત લીધી અને પોતાના તત્કાલિન સમકક્ષ એસએમ કૃષ્ણા સાથે વાતચીત કરી હતી. તત્કાલિન પ્રધાનમંત્રી નવાઝ શરીફ 2014માં પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં સામેલ થયા હતા.
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યું કે, જ્યારે હું આ વિષય પર બોલુ છું તો હું ન ફક્ત પાકિસ્તાનના વિદેશમંત્રી તરીકે બોલું છું, જેમના લોકોએ સૌથી વધારે હુમલામાં સૌથી વધારે નુકસાન વેઠ્યું છે, હું તેમના દીકરા તરીકે પણ બોલું છું, જેમની માતાની હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ હંમેશા આતંકવાદને લઈને બગડેલા રહે છે, જ્યારે ભારત દ્વારા આતંકવાદને ભૂલીને સુમેળ સંબંધો માટે પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ત્યારે આતંકવાદી હૂમલો થતો રહ્યો છે અને પાકિસ્તાન અને ભારત વચ્ચે સંબંધો પણ બગડ્યા છે.