
ટ્રેનમાં મુસાફરોને હવે લિનન અને ધાબળાની સુવિધા મળશે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને હવે જનજીવન ફરીથી ધબકતુ થઈ રહ્યું છે. વેપાર-ધંધા પાટે ચડી રહ્યાં છે. તેમજ બીજી તરફ પરિવનહ સેવાઓ પણ પહેલાની જેમ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, હવે ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને લિનન, ધાબડા અને પડદા સહિતની સુવિધા ફરી મળશે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોવિડ-19ને કારણે રોગચાળા અને કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, ટ્રેનો દ્વારા મુસાફરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (SOP) જારી કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનની અંદર લિનન, ધાબળા અને પડદા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. રેલ્વેએ હવે તાત્કાલિક અસરથી ટ્રેનની અંદર લિનન, ધાબળા અને પડદાની સપ્લાયના સંદર્ભમાં ઉપરોક્ત પ્રતિબંધ પાછો ખેંચી લેવાનો નિર્ણય લીધો છે અને તે પ્રી-કોવિડ સમયગાળા દરમિયાન લાગુ પડે તે મુજબ પ્રદાન કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા દરરોજ લાખો પ્રવાસીઓ મુસાફરી કરે છે. પ્રવાસીઓને યોગ્ય સુવિધાઓ મળી રહે તે દિશામાં રેલવે દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, કોરોનાને પગલે કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં હતા. પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો થતા નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યાં છે.