
પાટણની રાણકી વાવ ઐતિહાસિક નજરાણું છે, ભારતના ભવ્ય વારસાના દર્શન થયા: ભૂપેન્દ્ર પટેલ
પાટણઃ પ્રાચીન તથા ઐતિહાસિક કલાનગરી પાટણની મુલાકાત દરમિયાન UNESCO દ્વારા જાહેર કરાયેલા વિશ્વ ધરોહર સ્થળ “રાણકી વાવ” ની મુલાકાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હતી. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગાર ના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે.રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે.તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકારની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ધોળાવીરાની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ આજે પાટણી મુલાકાત દરમિયાન આ રાણકી વાવની મુલાકા લીધી હતી તેમણે ઐતિહાસિક ભવ્ય વારસાની પ્રશંસા કરતા વિઝીટર બુકમાં લખ્યુ હતું કે, આજે ઐતિહાસિક નજરાણું પાટણની રાણીની વાવને નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભારતની પ્રાચીન ભવ્યતાના દર્શન થયા છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી યુનેસ્કો દ્વારા રાણીની વાવને વૈશ્વિક ધરોહરનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.આવનારા દિવસોમાં આવા વિરાસત સ્થાનોને યોગ્ય માન સન્માનથી નરેન્દ્ર ના નેતૃત્વમાં દિવ્ય અને ભવ્ય ભારત નું નિર્માણ થશે. તેવી તેમણે કામના કરી હતી.
મુખ્યમંત્રીની આ મુલાકાત વેળા પ્રદેશ સંગઠનના મહામંત્રી રજની પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથ ઠાકોર, પ્રભારી ગોવિંદ પટેલ તથા સંગઠનના બળવંતસિંહ રાજપૂત, નંદાજી ઠાકોર સહિતના અગ્રણીઓ, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.