
વડોદરામાં સ્માર્ટ મીટરો લગાવાતા બિલો ત્રણ ગણા વધી ગયાના આક્ષેપ સાથે લોકોએ મચાવ્યો હોબાળો
વડોદરાઃ ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર મુકવામાં આવી રહ્યા છે. જેમાં ગ્રાહકોએ અગાઉથી જરૂરિયાત મુજબ મીટર ચાર્જ કરાવવા પડે છે. સરકારની માલિકીની MGVCL દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વડોદરાના પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલા પ્રધાનમંત્રી આવાસમાં પણ મીટરો લગાવવામાં આવ્યા હતા. જે મીટરો દ્વારા વધુ બીલ આવ્યા હોવાનો રહીશોએ આક્ષેપ કરીને ગોરવાની MGVCL કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. વીજ ગ્રાહકો એવું કહી રહ્યા છે. કે, પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરોને કારણે બિલો ત્રણગણા વધી ગયા છે.
વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી ચાલી રહી છે. ઘણાબધા વિસ્તારોમાં સ્માર્ટ મીટરો લગાવી પણ દેવાયા છે. જેમાં સુભાનપુરા વીજ નિગમ ની ઓફિસે એકત્ર થયેલા ઉશ્કેરાયેલા ટોળાએ માસિક વીજ બિલ બેથી ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપો કરીને સ્માર્ટ મીટર કાઢીને જુના વીજ મીટર લગાવી દેવા ઉગ્ર માંગ કરી હતી. સ્માર્ટ મીટરમાં ગરબડ હોવાના પણ આક્ષેપો રહિશો કરી રહ્યા છે.
શહેરના સુભાનપુરા વિસ્તારની વીજ નિગમની કચેરીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-1ના સ્થાનિક રહીશોનું ટોળું સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ નિગમની ઓફિસે ઘસી ગયું હતું. વીજ નિગમની ઓફિસના દરવાજા અંદરથી બંધ હતા ભારે હોબાળો મચાવ્યા બાદ દરવાજા ખોલાયા હતા. રોષે ભરાયેલા ટોળાએ નવા સ્માર્ટ મીટર કાઢીને જુના વીજ મીટર પુનઃ લગાવી આપવા માંગ કરી હતી. પ્રી-પેઇડ સ્માર્ટ મીટરમાં માત્ર 12 દિવસમાં રૂપિયા 2000 જેટલું ચાર્જિંગ કરવાનો વખત ગ્રાહકોને આવતા ગ્રાહકો ચોકી ઉઠ્યા હતા. અને સ્માર્ટ વીજ મીટર લાઈટનું બિલ બે થી ત્રણ ગણું વધી ગયું હોવાના આક્ષેપો કર્યા હતા. ઉપરાંત વીજ રિચાર્જ ખતમ થયા બાદ કનેક્શન કાપી નાખવામાં આવે છે. આ સ્માર્ટ મીટરમાં ગરબડ હોવાના પણ એકત્ર સ્થાનિક રહીશોના ટોળાંએ આક્ષેપ કર્યા હતા. વીજ કંપનીના અધિકારીઓ એવો જવાબ આપી રહ્યા છે. કે, સ્માર્ટ મીટર નાખવાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો છે. તેથી અમે વધુ કંઈ કહી શકીએ નહીં,
સ્થાનિર રહિશોના કહેવા મુજબ સ્માર્ટ મીટર લગાવવા બાબતે વીજ નિગમ દ્વારા કોઈપણ જાતની આગોતરી જાણ કરવામાં આવતી નથી. ઘરે આવતી એજન્સી દ્વારા વીજ કનેક્શન પાસેથી રનીંગ વીજ બીલ માંગી લેવામાં આવે છે અને સ્માર્ટ મીટર લગાવવા બાબતે જાણ કરાય છે. પરંતુ જો કોઈ વીજ બીલ આપવાનો ઇનકાર કરે તો ભવિષ્યમાં તેમને વીજ નિગમ દ્વારા રૂપિયા દસ હજારનો દંડ થશે તેવી ચીમકી પણ એજન્સી દ્વારા અપાતી હોવાના પણ આક્ષેપો કરાયા હતા.