
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. સાથે અનેક ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના ચોટીલા તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાતાં પાંચથી વધુ ગામોના 300થી વધુ પરિવારો એક હજારથી વધુ પશુઓ સાથે ગામ છોડી સામૂહિક હિજરત કરવા મજબૂર બન્યા છે. હાલમાં આ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને મહિલાઓને પીવાના પાણીની એક-એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાના નીરનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની સરકાર દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. ત્યારે વાસ્તવિકતા કંઈક જુદાં જ દૃશ્યો બતાવી રહી છે. જિલ્લાના ચોટીલા તાલુકાનાં જસાપર , નાનયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ અને નાની મોરસલ સહિતનાં ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. આ ગામોમાં બોર અને કૂવાના પાણી તળિયે ચાલ્યા ગયા છે, જેને કારણે ઉનાળાની શરૂઆતમાં જ પાણીના પોકારો શરૂ થઇ ગયા છે. પાણી સમસ્યાને કારણે પાંચ ગામના 300થી વધુ પરિવારો હિજરત કરી આણંદ, નડિયાદ અને ધોળકા તરફ ચાલ્યા ગયા છે. એને કારણે ગામો ખાલીખમ લાગી રહ્યાં છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચોટિલા તાલુકાના જસાપર , નાનયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ અને નાની મોરસલ સહિતના ગામડામાં હોંશે હોંશે બનાવેલાં પાકાં મકાનો બંધ કરી માલધારી સમાજના લોકોને અન્ય ગામોમાં પીવાના પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. તેમ છતાં તંત્રના સરકારી બાબુઓ કે રાજકારણીઓના પેટનું પાણી પણ હાલતું નથી. આ ગામોમાં મોટા ભાગે લોકો ઘરોને બંધ કરી સરસામાન સાથે હિજરત કરી ગયા છે અને ઘરની બહાર આડા કાંટા મૂકી પોતાના આશરાને છોડી ચાલ્યા જવું પડ્યું છે અને સારો વરસાદ થયા બાદ આ પરિવારો માદરે વતન પોતાના ઘરે પાછા ફરશે. છેલ્લાં 25 વર્ષ કરતાં વધુ સમયથી પીવાના પાણીની આ વિકટ સમસ્યા જેમની તેમ યથાવત્ છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવે અને પીવાના પાણીની આ વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે એવી વ્યાપક માગ આ ગામોના લોકોએ ઉઠાવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌની યોજના તથા સરકારી યોજનાના ચોપડે સૌથી વધુ લાભ લેતો જિલ્લો હોય તો સુરેન્દ્રનગર છે, પરંતુ રિયાલિટીમાં સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાનાં ગામો છે. એ હજુ સુધી ત્યાં પાણીની પાઈપલાઈન નથી પહોંચી. ફક્ત કૂવા અને ટ્યૂબવેલ તેમજ ગામમાં જે પાણીનાં ટેન્કર જઈ રહ્યાં છે એના પર જ તેના પાણીનો સહારો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ચોટીલા બંને તાલુકા સૌથી વધુ પાણી સમસ્યા ધરાવતા તાલુકાઓ બન્યા છે અને હાલમાં છેલ્લા બે દિવસમાં ચોટીલા તાલુકાનાં પાંચ ગામોના 300થી વધુ પરિવારોએ ગામ છોડીને હિજરત કરીને અન્ય ગામમાં જવાનું વિચાર્યું છે અને લોકો હાલ નીકળી પણ ગયા છે. ત્યારે હવે જિલ્લામાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો સુરેન્દ્રનગર જિલ્લો ફરી એક વખત “સૂકો મલક” તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત બનશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વિકટ સમસ્યા છે. એક તરફ સૌની યોજના અંતર્ગત સૌથી વધુ લાભ મેળવતો જિલ્લો હોય તો એ સુરેન્દ્રનગર જિલ્લો છે, પરંતુ એ ફક્ત કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, મુળી, વઢવાણ, પાટડી અને દસાડા સહિતનાં છેવાડાનાં ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ છે. ત્યારે હવે લોકો ગામ ખાલી કરીને અન્ય ગામોમાં જઈ રહ્યા છે. ત્યારે ‘સૌની યોજના અંતર્ગત’ના ગામોને પાણી મળી રહ્યું નથી, પરંતુ હવે જિલ્લા પ્રશાસન વિભાગે આગામી દિવસોમાં આ ગામોમાં રહેતાં પશુપાલકો અને ગ્રામજનોના પાણીની ચિંતા નહીં કરે અને વ્યવસ્થા ઊભી નહીં કરે તો સુરેન્દ્રનગર જિલ્લાનાં અનેક ગામોના વિસ્તાર ખાલી થઈ જશે અને ગામોનાં સૂપડાં સાફ થઈ જશે અને હાલ તો ગ્રામજનો હિજરત તરફ વળી ચૂક્યા છે. (file photo)