
અમદાવાદઃ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમ છલોછલ ભરાઈ જતાં ડેમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં તેમજ ગાંધીનગરના સંત સરોવરમાંથી પણ પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદી બંને કાંઠે વહતી જોવા મળી રહી છે. સાંજે સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાત્રે તો રિવરફ્રન્ટના બંને છેડે આવેલા લોઅર પ્રોમીનાડ પાણીમાં ડૂબી ગયા હતા. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા લોકો નવા આવેલા પાણીને જોવા માટે ઉમટી પડ્યા હતા. વર્ષ 2017 બાદ સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ વોક વે પાણીમાં ગરકાવ થયા છે. સાબરમતી નદીનો જે નજારો છે તે પાંચ વર્ષ પહેલાં જોવા મળ્યો હતો.
ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાનમાં પણ સારા વરસાદને કારણે બનાસ નદી અને સાબરમતી નદીમાં પૂર આવ્યા છે. સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં બેકાંઠે નદી વહેતી જોવા મળી હતી. જ્યાં સુધી સાબરમતી નદીનું પાણી ઓછું નહીં થાય ત્યાં સુધી લોકોને આ વખતે વોક-વે પર ન જવા સૂચના આપવામાં આવી છે. વાસણા બેરેજના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે. 9 દરવાજા 3 ફુટ અને 10 દરવાજા પુરા ખોલી દેવામાં આવ્યા છે. જેથી સાબરમતી નદીમાં આવનાર પાણી આગળ વહી જશે અને જળસપાટી જળવાઈ રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2017માં જુલાઈ મહિનામાં રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવક થતાં ધરોઇ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે અમદાવાદ પહોંચ્યું હતું ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના વોક વે ઉપર પાણી ફરી સાંભળ્યા હતા આખો રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ડૂબી ગયો હતો સાથે સાથે આપ જેવા જીવજંતુઓ પણ તણાઈ આવ્યા હતા. આજે ફરી એકવાર એ જ રીતે ધસમસતા પ્રવાહ સાથે નદી વહેતી જોવા મળી હતી. પરંતુ આ વખતે રિવરફ્રન્ટ વોકવે સુધી પાણી ફરી વળે તેના માટે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા અને પાણી ઝડપથી ધોળકા તરફ આગળ વધી ગયું હતું.