
અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા લોકોને હવે વાહન ચલાવવું મોંઘુ પડી રહ્યું છે. જેમાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. નોકરી-ધંધા પર દ્વીચક્રી વાહનો લઈને જવું પણ પરવડતું નથી. એટલે લોકો નાછૂટકે એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. જાહેર પરિવહનની આ બન્ને બસ સેવા ચીક્કાર દોડી રહી છે. ટ્રાફિક સારોએવો મળતો હોવાથી આવક પણ વધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મોંઘવારી સાત વર્ષની ટોચ પર છે. પેટ્રોલ-ડીઝલમાં દિવસે ને દિવસે વધતા ભાવોએ મધ્યમવર્ગની કમર તોડી નાખી છે. અનેક પરિવારનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. અમુક વસ્તુઓમાં ફરજિયાત કાપ મૂકવો પડી રહ્યો છે. 105 રૂપિયા લિટર પેટ્રોલ ન પરવડતાં અનેક લોકોએ બાઈક કે કાર ચલાવવાનું છોડી દીધું છે. અનેક લોકો ધંધા કે નોકરી પર જવા માટે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદમાં બસોમાં જોવા મળતી ભીડ આ વાતનો પુરાવો છે. AMTS- BRTSમાં એપ્રિલ મહિનામાં મુસાફરોનો રેકોર્ડબ્રેક આંકડો નોંધાયો હતો. ધંધા-નોકરી પર જવા માટે લોકો પોતાના બાઈક,સ્કુટર કે કારની જગ્યાએ બસોમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અમદાવાદમાં ચાલતી મ્યુનિ.ની બસોના આંકડા પર નજર કરીએ તો AMTSમાં એપ્રિલ મહિનામાં દરરોજ સરેરાશ 3.47 લાખ લોકોએ મુસાફરી કરી હતી, જ્યારે BRTSમાં એપ્રિલ-22માં સરેરાશ 1.66 લાખ લોકોએ મુસાફરી કરી હતી. બંને મળી દરરોજ એવરેજ કુલ 5.13 લાખ લોકોએ મ્યુનિની બસોનો ઉપયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલમાં આશરે 650 જેટલી લાલ બસ તથા 350 જેટલી BRTS બસ દોડી રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરની જાહેર પરિવહન સેવા AMTS ના છેલ્લા 16 મહિનાના ડેટા તપાસીએ તો એપ્રિલ-22 મહિનામાં સૌથી વધુ દૈનિક સરેરાશ 3.47 લાખ લોકોએ મુસાફરી હતી. આ પહેલાં ડિસેમ્બર-21 મહિનામાં સૌથી વધુ દૈનિક સરેરાશ 3.04 લાખ લોકોએ મુસાફરી કરી હતી. એપ્રિલથી પેટ્રોલના ભાવ ફરી વધુ ઊંચકાયા હતા, જેને કારણે લાલ બસ એટલે કે AMTS બસોમાં મુસાફરોની સંખ્યા વધી હોવાનું માનવામાં આવે છે. જ્યારે શહેરમાં BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)માં ટ્રાફિકમાં વધારો જોવા મળ્યો હતો. AMTSની જેમ BRTSમાં પણ છેલ્લા 18 મહિનામાં એપ્રિલ-22માં સૌથી વધુ દૈનિક 1.66 લાખ લોકોએ મુસાફરી હતી, જ્યારે માર્ચમાં દૈનિક 1.54 લાખ અને ફેબ્રુઆરીમાં દૈનિક 1.37 લાખ મુસાફરે બીઆસટીએસનો ઉપયોગ કર્યો હતો. AMTSના ચેરમેન વલ્લભભાઇ પટેલે કહ્યું, છેલ્લા ઘણા સમયથી નવા સુધારા કરવામાં આવ્યા છે. સારી સગવડ આપવામાં આવી છે, બસોની ફ્રિકવન્સી વધારવામાં આવી છે, 100 જેટલી નવી બસો મૂકી છે અને ગરમીનું પ્રમાણ પણ હાલમાં વધારે છે. એને કારણે સમયસર બસ મળી રહેતાં પેસેન્જરમાં ખૂબ મોટો વધારો થયો છે. સારા ચાલતા રૂટ પર બસોની સંખ્યા વધારી છે. ગરમી અને અમદાવાદ શહેરની વસતિને ધ્યાનમાં રાખીને અમે 500 જેટલી નવી બસો લેવાનું આયોજન કર્યું છે, જેથી આવનારા દિવસોમાં લોકોને સુવિધાજનક મુસાફરી મળી રહે એ માટે એનું આયોજન કરવામાં આવ્યું છે.