
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું સૌથી વધુ દુષણ જોવા મળે છે. અને પીજીવીસીએલને કરોડો રૂપિયાનો વીજ લોસ સહન કરવો પડે છે. છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર જુદા જુદા વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરીને 84 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. સતત પાંચમા દિવસે PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન- 2 હેઠળ સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ- અલગ 34 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરી વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી ઝડપી પાડવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દર મહિને કરવામાં આવતી ચેકિંગ ડ્રાઈવ નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં પણ ચાલુ રાખી ગત સોમવારથી રાજકોટ શહેરી વિસ્તારમાં સતત પાંચમાં દિવસ અલગ-અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 5 દિવસમાં 84 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.
પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ ગત સોમવારે સિટી ડિવિઝન 3 હેઠળ વિસ્તારોમાં 29 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી કુલ 585 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 64 ક્નેક્શનમાંથી 26.14 લાખની વાજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે મંગળવારે સિટી ડિવિઝન 2 હેઠળ વિસ્તારોમાં 32 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી કુલ 775 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 82 ક્નેક્શનમાંથી 11.12 લાખની વાજચોરી ઝડપી પાડવામાં આવી હતી. તથા ત્રીજા દિવસે બુધવારે સિટી ડિવિઝન 1 હેઠળ વિસ્તારોમાં 32 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી કુલ 776 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 66 ક્નેક્શનમાંથી 18.87 લાખની વાજચોરી ઝડપી પાડવામાં આવી હતી.ચોથા દિવસે ગુરુવારના રોજ સિટી ડિવિઝન 3 હેઠળ વિસ્તારોમાં 35 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી કુલ 752 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 78 ક્નેક્શનમાંથી 16.30 લાખની વાજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે શુક્રવારે સિટી ડિવિઝન 2 હેઠળ વિસ્તારોમાં 34 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી કુલ 710 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 85 ક્નેક્શનમાંથી 13.08 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં ઓક્ટોબર 2023માં 10,700થી વધુ વીજ કનેક્શન ચેક કરી 1,189 ક્નેક્શનમાંથી 3.79 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે એપ્રિલથી ડિસેમ્બર 2023 સુધી સમયમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 91,000થી વધુ કનેક્શન ચેક કરી 12,000થી વધુ કનેક્શનમાં ગેરરીતિ સાથે રૂ.32 કરોડથી વધુની વીજચોરી ઝડપાઈ છે.