
દિલ્હીઃ પોતાની વિચારશક્તિ અને જોરદાર રમતથી ધોનીએ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં એક અગલ જ સ્થાન બનાવ્યું છે. એટલે જ તેમને કેપ્ટન કૂલના નામથી પણ બોલાવવામાં આવે છે. આ ઉપરાંત ક્રિકેટની દુનિયામાં સૌથી સફળ ફિનીશરમાં પણ ધોનીનો સમાવેશ થાય છે. 2011ના વર્લ્ડકપની ફાઈનલમાં શ્રીલંકા સામે છેલ્લે મારેલી સિક્સર આજે પણ તેમના પ્રશંસકો ભૂલ્યાં નથી. તેમજ યુવા ક્રિકેટરો પણ તેમની હેલિકોપ્ટર સ્ટાઈલને પસંદ કરે છે. આમ ક્રિકેટ જગતમાં છવાયેલા એમએસ ધોની પોતાની નવી-નવી હેરસ્ટાઈલ અને લૂકથી પણ ચર્ચામાં રહે છે.
કેપ્ટન કૂલ મહેન્દ્ર ધોની હાલ એક નવા લૂકમાં નજર આવે છે. ધોનીએ પોતાના વાળ અને બીયર્ડને લઈ નવી સ્ટાઈલ અપનાવી છે. જે હાલ વાયરલ થઈ રહી છે. ધોનીને આ નવો લુક ફેમસ સ્ટાઈલિસ્ટ આલીમ હકીમએ આપ્યો છે. તેમના આ નવા લુકના ચારેય તરફ વખાણ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા ઉપર ધોનીના આ નવા લૂકને લોકો પસંદ કરી રહ્યાં છે.
ક્રિકેટમાં પ્રવેશ વખતે એમએસ ધોનીના વાળ લાંબા હતા. ફૂટબોલરની જેમ તેમની હેરસ્ટાઈલ એ વખતે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. 2011માં વર્લ્ડ કપ જીત્યા બાદ ધોનીએ મુંડન કરાવ્યું હતું. તે ફોટા પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયાં હતા. ત્યાર બાદ તેઓ લાંબો સમય સુધી સિંપલ હેરસ્ટાઈલમાં જોવા મળ્યાં હતા. આ લૂકમાં પણ તેઓ સ્માર્ટ લાગતા હતા.
ધોનીની જીવન ઉપર બનેલી ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી વખતે તેઓ નવી હેરસ્ટાઈલમાં જોવા મળ્યાં હતા. તેમજ ફિલ્મના અભિનેતા સુશાંતસિંહ રાજપુત સાથે મળીને ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું.
જે બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ મો-હોક હેરસ્ટાઈલ કરાવી હતી. જે લુક તેમણે લાંબા સમય સુધી રાખ્યો હતો. આમ એમએસ ધોની અવાર-નવાર પોતાની હેરસ્ટાઈલ અને લૂકમાં બદલાવ કરે છે. તેમજ તેમને ફોલો કરતા પ્રસંશકો પણ તેમની હેરસ્ટાઈલ અને લૂકને પસંદ કરવાની સાથે કોપી પણ કરે છે.
(Photos-Social Media)