
- ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ
- PM મોદીએ I.N.D.I.A ગઠબંધન પર નિશાન સાધ્યું
- સંસદની સુરક્ષા ભંગની નિંદા થવી જોઈએ – પીએમ મોદી
દિલ્હી:સંસદના શિયાળુ સત્ર વચ્ચે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને વિપક્ષના વલણ પર નિશાન સાધ્યું હતું.
બીજેપી સંસદીય દળની બેઠકને સંબોધતા પીએમ મોદીએ I.N.D.I.A ગઠબંધન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે I.N.D.I.A ગઠબંધનનો ધ્યેય અમારી સરકારને ઉથલાવી દેવાનો છે, પરંતુ અમારી સરકારનું લક્ષ્ય દેશનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું છે.
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક પક્ષો એક રીતે સંસદમાં સુરક્ષા ભંગને સમર્થન આપી રહ્યા છે, આ સંસદની સુરક્ષા ભંગ જેટલું જ ખતરનાક છે. લોકશાહીમાં માનનારા તમામ લોકોએ સંયુક્તપણે સંસદમાં સુરક્ષા ભંગની નિંદા કરવી જોઈએ.
પીએમ મોદીએ વિપક્ષના વલણ પર ઉઠાવ્યા સવાલ
બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમએ કહ્યું કે વિપક્ષનું આચરણ એ સુનિશ્ચિત કરશે કે 2024ની ચૂંટણીમાં તેની સંખ્યા ઓછી થશે અને ભાજપને સંખ્યામાં ફાયદો થશે. વિધાનસભા ચૂંટણીમાં હારથી વિપક્ષ ગુસ્સે છે અને હતાશામાં સંસદને ખોરવી રહ્યો છે.
92 સાંસદો સસ્પેન્ડ
સંસદની સુરક્ષામાં ક્ષતિની ઘટનાને લઈને વિપક્ષી સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો, ત્યારબાદ બંને ગૃહોના 78 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગાઉ 14 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 92 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.