PM મોદીએ પુતિનને ભેટમાં આપી રશિયન ભાષામાં લખાયેલી શ્રીમદ ભાગવત ગીતા
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ભારત પ્રવાસે આવેલા તેમના મિત્ર અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભેટ તરીકે રશિયન ભાષામાં લખાયેલી શ્રીમદ ભાગવત ગીતા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ગીતાનો ઉપદેશ વિશ્વભરમાં પ્રેરણા આપે છે.
ભારત પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું પીએમ મોદીએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રોટોકોલ તોડીને, તેઓ પોતે તેમને રિસીવ કરવા માટે પાલમ એરપોર્ટ પહોંચી ગયા હતા. ત્યાંથી બંને નેતાઓ એક જ કારમાં સાથે બેસીને આવ્યા હતા.
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનનું તેમના સરકારી નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ પર સ્વાગત કર્યું હતું. અહીં જ બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક રાત્રિભોજન (ડિનર)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનર દરમિયાન જ પીએમ મોદીએ પુતિનને રશિયન ભાષામાં છપાયેલી શ્રીમદ ભાગવત ગીતા ભેટમાં આપી હતી.
આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે: “રાષ્ટ્રપતિ પુતિનને રશિયન ભાષામાં શ્રીમદ ભાગવત ગીતાની એક નકલ ભેટ કરી. ગીતાનો ઉપદેશ વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે.”


