
- પીએમ મોદી એએમયુ શતાબ્દી સમારોહને કરશે સંબોધન
- કાર્યક્રમમાં ભાગ લેનારા બીજા વડાપ્રધાન
- એએમયુના 100 વર્ષ પૂર્ણ થવા પર ટપાલ ટિકિટ કરશે જારી
કાનપુર: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને આજે મુખ્ય મહેમાન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. તેનું આ સંબોધન ઓનલાઇન હશે. સાથે જ કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશંક પણ આ સમારોહમાં સામેલ થશે.
વડાપ્રધાન મોદીનો આ કાર્યક્રમ વર્ચ્યુઅલ જ ભલે હોય,પરંતુ એએમયુની સંપૂર્ણ મહત્વાકાંક્ષા સાથે જ થશે. તેને લઈને યુનિવર્સિટી પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
યુનિવર્સિટી પ્રશાસન દ્વારા જારી વર્ચ્યુઅલ કાર્યક્રમ મુજબ મંગળવારે સવારે 10 કલાકે કુરાન ખ્વાની સાથે કાર્યક્રમની શરૂઆત થશે. આ માટે બે મિનિટનો સમયગાળો રાખવામાં આવ્યો છે. ત્યારબાદ કુલપતિ પ્રો. તારિક મન્સુર ઔપચારિક પરિચય કરાવશે. કુલપતિનું સંબોધન લગભગ પાંચ મિનિટનું હશે.
ત્યારબાદ સર સૈયદ એકેડેમીના ડાયરેક્ટર સર મોહમ્મદ નકવી યુનિવર્સિટીની 100 વર્ષની ઉપલબ્ધિઓને સામે રાખશે. એએમયુ વિમેન્સ કોલેજના પ્રિન્સીપલ પ્રોફેસર નઇમા ખાતૂન મહિલા શિક્ષણમાં એએમયુના યોગદાન વિષય પર પોતાનું સંબોધન આપશે.
આ જ ક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ સૈયદાના મફાદુલ સૈફુદ્દીન પોતાના વિચારો વ્યક્ત કરશે. 15 મિનિટ સુધી કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશંક સમારોહને સંબોધિત કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી એએમયુના 100 વર્ષ પૂરા થવાના પ્રસંગે એક ટપાલ ટિકિટ જારી કરશે અને ત્યારબાદ તેમનું સંબોધન આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન અલીગઢ ઉપરાંત દુનિયાના 100થી વધુ દેશોમાં સાંભળવામાં આવશે. એક અનુમાન મુજબ દેશ અને દુનિયાના એક કરોડથી વધુ લોકો વડાપ્રધાનનું સંબોધન સાંભળશે.
એએમયુ પ્રશાસને યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ કામ કરી રહ્યા છે અથવા અન્ય દેશોમાં વસવાટ કરે છે તેમને કાર્યક્રમની એક લિંક આપી છે. યુનિવર્સિટીના 100 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર હશે, જ્યારે કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા મુખ્ય મહેમાનને આટલી મોટી સંખ્યામાં સાંભળવામાં આવશે.
_દેવાંશી