ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓએ પદભાર સંભાળી લીધો છે અને સચિવાલય હવે ધમધમતું થઈ ચૂક્યું છે. ગુજરાતની જનતાએ અભૂતપૂર્વ 156 બેઠક જીતાડીને ભાજપમાં ફરી વિશ્વાસ મૂક્યો છે ત્યારે જનતાને પણ કોઈ તકલીફ ન પડે તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રસ લીધો છે. અને નવી સરકારના તમામ મંત્રીઓને સૂચના આપી દેવામાં આવી છે કે, સોમવારથી લઈ શુક્રવાર સુધી ફરજિયાત સચિવાલયમાં પોતાની ચેમ્બરમાં હાજર રહેવું. જનતાની રજૂઆતો અને કામો ટલ્લે ચડવા જોઈએ નહી અને શનિવાર તેમજ રવિવારે જ પોતાના મત વિસ્તારમાં જવું. આ સિવાય આકસ્મિક કોઈ મંત્રીને બહાર જવાનું હોય તો મુખ્યમંત્રીનું ધ્યાન દોરીને જઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપએ પ્રચંડ વિજય મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તેમના 16 મંત્રીઓએ વિવિધ વિભાગોનો કાર્યભાર સંભાળી લીધો છે. જેમાં કેબીનેટ મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-1માં ઓફિસ ફાળવવામાં આવી છે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-2માં ઓફિસની ફાળવણી કરવામાં આવી છે. દરમિયાન સરકાર જનતાએ મૂકેલા વિશ્વાસમાં ઊણી ન ઉતરે તે માટે વડા પ્રધાન મોદીએ પણ તમામ મંત્રીઓને આદેશ જારી કરી દીધો છે. જનતાને પોતાની રજૂઆતો માટે ધક્કા ન ખાવા પડે અને જનતાના કામો ટલ્લે ન ચડે તે માટે તમામ મંત્રીઓને સોમવારથી લઈ શુક્રવાર સુધી પોતાની ચેમ્બરમાં રહેવા માટે આદેશ કર્યો છે. શનિવાર અને રવિવારે મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં જઈ શક્શે. અગાઉ વડા પ્રધાને તાકીદ પણ કરી હતી કે, પોતાની ચેમ્બરમાં કોઈ સગો સંબંધી પણ પડ્યો પાથર્યો રહેવો જોઈએ નહી. વડા પ્રધાન નવી સરકારના તમામ મંત્રીઓ ઉપર નજર રાખી રહ્યા છે ત્યારે નવા મંત્રીઓ પણ હવે ગુલ્લી મારી શકે તેમ નથી. લોકોની રજૂઆતોને મંત્રીઓ નજર અંદાજ કરી શક્શે નહી તેવું જણાઈ રહ્યું છે.