
અમદાવાદઃ શહેરમાં હાલ લગ્નસરાની ધૂમ સીઝન ચાલી રહી છે. લગ્ન સમારોહ કે રિસેપ્શનમાં બનીઠનીને આવતા ઠગ લોકો ઘરેણાં ભરેલી બેગ કે ચાલ્લાની બેગ વગેરે ઉટાવીને રફુચક્કર થઈ જતાં હોય છે. દર વર્ષે આવા બનાવો બનતા હોય છે. આ વખતે શહેરમાં લગ્ન સમારંભમાં થતી ચોરી અટકાવવા પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. લગ્ન સમારંભમાં પોલીસ કર્મચારીઓ જાનૈયાઓની માફક ખાનગી ડ્રેસમાં મહાલશે. જો કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ કે કિશોર નજરે પડશે તો તરત જ એમને અટકાવવામાં આવશે. લગ્ન પ્રસંગ દરમિયાન જો કોઈ પરિવારજનો કે આયોજકોને ચોરી થવાનો ડર હોય તો તે પોલીસનો સંપર્ક કરી શકે છે તેમ ડીસીપી ઝોન ૩ મકરંદ ચૌહાણે જણાવ્યું હતુ.
અમદાવાદ શહેરમાં કાર્તિકી પૂર્ણિમાં બાદ લગ્નસરાની મોસમ જામી છે. ત્યારે લગ્ન સમારંભમાં મહિલાઓ સોનાના દાગીના પહેરીને મહાલતી હોય છે. વર-કન્યાના પરિવારજનો પાસે પણ દાગીના અને રૂપિયા ભરેલી બેગ અથવા પર્સ હોય છે. લગ્ન સમારંભમાં જ જતી ટાબરીયા ગેંગ અને ચોક્કસ તત્ત્વો કિંમતી દાગીના ભરેલી બેગ ઊઠાવીને પલાયન થઈ જતાં હોય છે.આવી ગેંગને અટકાવવા માટે સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૧ રાજેન્દ્ર અસારી દ્વારા તમામ પાર્ટી પ્લોટ, હોટલ અને હોલના આયોજકોને પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવા સીસીટીવી કેમેરા લગાવવા અને અજાણ્યા માણસોની ચહલપહલ પર નજર રાખવાની ખાસ તાકીદ કરવામાં આવી છે.
આ ઉપરાંત અમદાવાદના પોલીસ અધિકારી મકરંદ ચૌહાણ દ્વારા પોતાની હદમાં આવતા પોલીસ મથકોમાં કોઈપણ લગ્ન સમારંભમાં સ્થાનિક પોલીસના કર્મચારીઓ વોચ રાખે તેવી સૂચના આપવામાં આવી છે. લગ્ન સમારંભમાં જાનૈયાઓ સાથે પોલીસ કર્મચારીઓ પણ સજીધજીને મહાલતા નજરે પડશે. કર્મચારીઓને લગ્ન સમારંભમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ નજરે પડે તો તેની પૂછપરછ કરવાની અને તે આમંત્રિત છે કે કેમ તેની ખરાઈ કરવાની રહેશે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓએ શંકાસ્પદ વ્યક્તિઓની શંકાસ્પદ ચહલપહલ પર પણ નજર રાખવાની રહેશે. જો કોઈ પણ પરિવારને લગ્ન સમારંભમાં ચોરી થવાનો ડર લાગતો હોય તો તે પોલીસનો સંપર્ક કરી શકે છે.