1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં પ્રદૂષણનો રાક્ષસ બેકાબૂ: AQI 400ને પાર, GRAP-૩ લાગુ
દિલ્હીમાં પ્રદૂષણનો રાક્ષસ બેકાબૂ: AQI 400ને પાર, GRAP-૩ લાગુ

દિલ્હીમાં પ્રદૂષણનો રાક્ષસ બેકાબૂ: AQI 400ને પાર, GRAP-૩ લાગુ

0
Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત બગડી રહ્યું છે. દિલ્હીની હવાની ગુણવત્તા ફરી એકવાર 400ના આંકને પાર કરી ગઈ છે. પરિણામે, ઘણા વિસ્તારો ‘રેડ ઝોન’માં આવી ગયા છે. દિલ્હીના વઝીરપુર વિસ્તારમાં સૌથી વધુ 443 AQI નોંધાયો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. હવાની ગુણવત્તામાં અચાનક આવેલી આ ગંભીર કટોકટીને ધ્યાનમાં રાખીને, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) દ્વારા GRAP-૩ (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ત્રીજો તબક્કો) લાગુ કરવામાં આવ્યો છે.

GRAP હેઠળ લાગુ કરાયેલા કડક નિયમોના કારણે હવે બિન-જરૂરી બાંધકામ અને તોડફોડ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પરિણામે માટીકામ, પાઇલિંગ, ખુલ્લી ખાઈઓનું ખોદકામ, વેલ્ડિંગ, પેઇન્ટિંગ, પ્લાસ્ટરિંગ, ટાઇલ અને ફ્લોરિંગનું કામ, રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટનું સંચાલન બંધ રહેશે. સિમેન્ટ, રેતી અને ફ્લાય એશ જેવી બાંધકામ સામગ્રીના પરિવહન પર પણ પ્રતિબંધ રહેશે. જોકે, મેટ્રો, એરપોર્ટ, સંરક્ષણ અને આરોગ્ય સંબંધિત અનિવાર્ય પરિયોજનાઓને ધૂળ નિયંત્રણના ઉપાયો સાથે છૂટ આપવામાં આવી છે.

ઉદ્યોગોની વાત કરીએ તો, કોલસો, લાકડા કે અન્ય પ્રદૂષણ ફેલાવતા ઇંધણથી ચાલતા ઉદ્યોગોનું સંચાલન સ્થગિત કરી દેવાયું છે. પથ્થર તોડવાના મશીનો બંધ રહેશે અને કોલસા અથવા લિગ્નાઇટ આધારિત થર્મલ પાવર પ્લાન્ટ્સ પર પણ રોક લગાવી દેવાઈ છે. સમગ્ર NCRમાં ખાણકામ અને તેનાથી સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત વાહનો પર કડક નિયંત્રણ પણ અમલમાં આવ્યાં છે. દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ લાઇટ મોટર વ્હીકલ કાર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હીમાં જૂના ડીઝલ ગુડ્સ વાહનો પર પણ રોક રહેશે (જોકે દિવ્યાંગ વ્યક્તિઓને આમાંથી મુક્તિ અપાઈ છે). આ ઉપરાંત ઇમરજન્સી સર્વિસ સિવાય ડીઝલ જનરેટર સેટ્સના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે.

જ્યારે ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ અથવા ઓનલાઇન ક્લાસ ફરજિયાત કરવામાં આવ્યા છે. મોટી કક્ષાઓ માટે ઓફલાઇન અભ્યાસ ચાલુ રહેશે, પરંતુ માસ્ક અને અન્ય સાવચેતીઓનું પાલન કરવું જરૂરી રહેશે. જાહેર, નગર નિગમ અને પ્રાઇવેટ ઓફિસોમાં માત્ર 50 ટકા કર્મચારીઓની હાજરીની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બાકીના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે અલગ નિર્ણય લઈ શકે છે અને જરૂર પડ્યે ઓફિસના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે.

આ ઉપરાંત, રસ્તાની ધૂળને કાબૂમાં લેવા માટે મેકેનાઇઝ્ડ સફાઈ, પાણીનો છંટકાવ અને એન્ટિ-સ્મોગ ગનનો વધુ ઉપયોગ કરવામાં આવશે. કચરો સળગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને જાહેર પરિવહન, જેમ કે સીએનજી અને ઇલેક્ટ્રિક બસો, મેટ્રોની ફ્રિક્વન્સી વધારવામાં આવશે. વધતા દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાઓની ક્ષમતા પણ વધારવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code