
નડિયાદઃ સનાતન સમાજમાં પોષી પુનમનું મહાત્મ્ય વિશેષ છે. પોષી પુનમના દિને દર્શનનું વિશેષ મહત્વ છે પણ આજે કોરોનાને કારણે મોટાભાગના મંદિરો બંધ હોવાથી ભાવિકોને ઓનલાઈન દર્શન કરવાની ફરજ પડી હતી. જોકે ચરોતર પંથકના હૃદયસમાન સંતરામ મંદિરમાં આજે સોમવારે પોષી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓ બોર સાથે આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભકતો મંદિરના દર્શનનો લ્હાવો લીધો હતો.
નડિયાદમાં સંતરામ મંદિરે શ્રદ્ધાળુઓ પોતાનું બાળક બોલતું થાય તે માટે બોર ઉછાળવાની માનતા રાખે છે. શ્રદ્ધાળુ પોષી પૂનમે સંતરામ મંદિરે દર્શન કરી ગાદીપતિ મહંતના આશીર્વાદ મેળવી મંદિરના પરિસરમાં જય મહારાજના નાદ સાથે બોરની ઉછામણી કરે છે. હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના ગાઇડલાઇનના પાલન સાથે આજે મંદિરમાં પ્રવેશ અપાયો હતો. પોષી પૂનમના આગલા દિવસથી શહેરમાં સંતરામ રોડ પર બોરની લારીઓ જોવા મળી હતી. આ બોર રૂ.30 થી 40 ના કિલોના ભાવે વેચાય છે. પરંતુ પૂનમે બોરના ભાવમાં વધારો જોવા મળે છે.
પોષી પૂનમે કોરોના મહામારીમાં સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા તંત્ર તેમજ મંદિરના વહીવટી તંત્ર દ્વારા ભાવિક ભક્તોને અનુરોધ કર્યો હતો અને આજે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરાવીને ભાવિકોને દર્શનનો લાભ અપાયો હતો. જોકે સતત બીજા વર્ષે પણ સંતરામમાં બોર ઉછામણી કરવામાં આવી નહતી. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિર પરિસરમાં બોર ઉઘરાવવા માટે વિવિધ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. જે ભક્તોના બોર મેળવીને જયમહારાજને પધરાવશે અને ભક્તો સમાધિસ્થાનના દર્શન કરીને પોતાની માનતા પૂરી કરી રહ્યા છે તથા પ્રસાદ મેળવી રહ્યા છે.