પ્રિ-મોન્સુન કામગીરીઃ શાહીબાગમાં કેચપીટમાં ફૂડ વેસ્ટ નાંખનાર દુકાન AMC દ્વારા સીલ
અમદાવાદ, 11 મે, 2026: પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન શહેરમાં શાહીબાગમાં વિસ્તારમાં કેચપીટમાં ફૂડ વેસ્ટ નાંખનાર દુકાનને AMC દ્વારા સીલ કરી દેવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના સવારના રાઉન્ડ દરમિયાન શાહીબાગ વિસ્તારમાં ગેરરીતિ જોવા મળી હતી.
શાહીબાગ વોર્ડ વિસ્તારમાં નમસ્કાર સર્કલ પાસે પ્રિ-મોન્સુન એક્ટિવિટીની કામગીરી અને સફાઈ વ્યવસ્થાનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન કેચપીટની અંદર ફૂડ વેસ્ટ તથા કચરો નાંખવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નજીકની એક દુકાન દ્વારા કેચપીટમાં ફૂડ વેસ્ટ નાખવામાં આવ્યો હતો, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થવાની શક્યતા હતી. પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન આવી ગેરરીતિ ગંભીર માનવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સંબંધિત દુકાન સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મ્યુનિસિપલ તંત્ર દ્વારા દુકાનને સીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરત ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવેશ શિક્ષા વર્ગ તથા ઘોષ વર્ગનો પ્રારંભ
AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુચારુ રહે અને શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. કેચપીટ, ડ્રેનેજ લાઇન અથવા જાહેર સ્થળોએ કચરો નાંખનાર સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.


