અમદાવાદ, 15 એપ્રિલ 2026: Sabarmati river will be emptied શહેરમાં સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 18 દરવાજાને રિપોરિંગ કરવાની કામગીરી હાથ ધરવાની હોવાથી સાબરમતી નદીને આજથી ખાલી કરવામાં આવી રહી છે. હવે ત્રણ મહિના સુધી એટલે કે ચોમાસા સુધી સાબરમતી નદી પાણીથી ભરેલી જોવા નહીં મળે, સાબરમતી નદીમાંથી પાણી ખાલી થતા જ સુભાષબ્રિજના સુપર સ્ટ્રકચરને પણ તોડી પાડવામાં આવશે.
ગુજરાત સરકારના સિંચાઈ વિભાગના અમદાવાદ ડિવિઝન દ્વારા આજે 15 એપ્રિલથી 15 જુન સુધી સાબરમતી નદીને ખાલી રાખવામાં આવશે. આજથી સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ સુધી ભરાયેલા પાણીને ખાલી કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે ડેમ સેફ્ટી’ અંતર્ગત કરવામાં આવેલા પ્રિ-મોન્સુન ઇન્સ્પેક્શન દરમિયાન નિષ્ણાતો દ્વારા બેરેજની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેના 30 ગેટ પૈકી 18 નવા ગેટ્સ બનાવવા તેમજ અન્ય ગેટ્સમાં જરૂરી રિપેરિંગ કરવાની ભલામણ કરવામાં આવી છે. બેરેજની લાંબા ગાળાની મજબૂતી અને સુરક્ષા જાળવી રાખવા માટે આ કામગીરી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા નવા નાખવાના તેમજ રીપેરીંગની કામગીરી દરમિયાન સાબરમતી નદી ખાલી હોવાથી આ અઢી મહિનાના સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજના છ સ્ટ્રક્ચર તોડવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. બ્રિજનો તૂટેલો ભાગ નદીમાં પડતો હોવાથી સાબરમતી નદીમાં પાણી હોય ત્યારે કામગીરી ન કરી શકાય જેથી નદી ખાલી હોવાનો ફાયદો લઈને આ સમયગાળા દરમિયાન સ્ટ્રક્ચરને તોડવા માટેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. નદીમાં પાણી ચાલુ હશે ત્યારે સ્ટ્રક્ચર બનાવવા માટેની કામગીરી થઈ શકે છે. જેથી ડિમોલેશનની કામગીરી ત્રણ મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.


