1. Home
  2. ગુજરાતી
  3. આતંકવાદના અડ્ડા હવે સુરક્ષિત નથી, SCO બેઠકમાં રાજનાથ સિંહની ગર્જના
આતંકવાદના અડ્ડા હવે સુરક્ષિત નથી, SCO બેઠકમાં રાજનાથ સિંહની ગર્જના

આતંકવાદના અડ્ડા હવે સુરક્ષિત નથી, SCO બેઠકમાં રાજનાથ સિંહની ગર્જના

0
Social Share

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ મુદ્દે ભારતનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે હવે કડક કાર્યવાહીનો સમય આવી ગયો છે. રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું કે, “આતંકવાદનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા હોતી નથી અને કોઈપણ ફરિયાદ કે કારણ આતંકવાદને ન્યાયી ઠેરવી શકે નહીં.”

પોતાના સંબોધનમાં સંરક્ષણ મંત્રીએ વર્ષ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને પાડોશી દેશને આડકતરો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, પહલગામ હુમલાએ માનવતાને હચમચાવી દીધી હતી, પરંતુ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતે સાબિત કરી દીધું છે કે હવે આતંકવાદીઓના આશ્રયસ્થાનો સુરક્ષિત નથી. સીમા પારથી પ્રાયોજિત આતંકવાદ એ સીધો દેશની સાર્વભૌમત્વ પર હુમલો છે.

રાજનાથ સિંહે SCO દેશોને આહવાન કર્યું કે આતંકવાદના મુદ્દે કોઈ ‘બેવડા ધોરણો’ હોવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે, “જે દેશો આતંકવાદીઓને આશ્રય આપે છે કે સમર્થન આપે છે, તેમની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે એકજુટ થઈને લડવું પડશે. SCO એ આતંકવાદ સામે પોતાની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે સુરક્ષિત ઠેકાણાઓ ખતમ કરવા સાથે મળીને કામ કરવું પડશે.”

  • આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા વિના રાજનાથસિંહે કર્યાં આકરા પ્રહાર

સંરક્ષણ મંત્રીએ વિશ્વ વ્યવસ્થા પર વાત કરતા કહ્યું કે દુનિયાને અત્યારે નવા વર્લ્ડ ઓર્ડરની નહીં, પરંતુ એક ‘વ્યવસ્થિત અને સંતુલિત’ વિશ્વની જરૂર છે. તેમણે મહાત્મા ગાંધીના સૂત્રને યાદ કરતા કહ્યું કે, “આંખના બદલે આંખ આખી દુનિયાને અંધ બનાવી દે છે.” મતભેદો વિવાદમાં ન બદલાય અને વિવાદ યુદ્ધમાં ન પરિણમે તે માટે કૂટનીતિ અને સંવાદ જ એકમાત્ર રસ્તો છે.

ભારતે ફરી એકવાર SCO ના મંચ પરથી ‘વસુધૈવ કુટુંબકમ’ (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) નો સંદેશ આપ્યો હતો. રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો તમામ સભ્ય દેશો પરસ્પર વિશ્વાસ અને સમાનતાના આધારે કામ કરશે, તો SCO વિશ્વમાં શાંતિ અને સ્થિરતાનો મજબૂત સ્તંભ બની શકે છે. ભારત સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચોઃ જુનાગઢમાં મહિલા તબીબને પરેશાન કરતા આરોપીને 3 વર્ષની કેદ અને 10 હજારનો દંડ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code