નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: અમેરિકી સાંસદ રાઇલી મૂર દ્વારા એફસીઆરએ સંશોધન વિધેયક પર કરવામાં આવેલી ટિપ્પણીનો ભારતે આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ ભારતનો આંતરિક મામલો છે, જે વિદેશી ભંડોળ (ફંડ) ને નિયંત્રિત કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટકોર કરી હતી કે, ખુદ અમેરિકા પણ પોતાના દેશમાં બહારથી આવતા નાણાં પર કડી નજર રાખે છે, તેથી ભારતના આવું કરવા પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી.
અમેરિકી સાંસદ રાઇલી મૂરએ ભારતીય સંસદમાં રજૂ થનારા એફસીઆરએ સંશોધન બિલ 2026 પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ બિલ ખ્રિસ્તી સમુદાય પર સીધો હુમલો છે અને જો તે પસાર થશે તો તે ભારત-અમેરિકાના દ્રિપક્ષીય સંબંધો માટે ચિંતાનો વિષય બનશે. રાઇલી મૂરએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે સરકાર ચર્ચો અને ધાર્મિક ચેરિટી સંસ્થાઓનું નિયંત્રણ પોતાના હાથમાં લેવા માંગે છે. આ ઉપરાંત, ‘કેથોલિક એરીના’ નામના સંગઠને પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને યુરોપિયન યુનિયનને વ્યાપારી કરારો કરવાને બદલે આ મુદ્દે અવાજ ઉઠાવવા અપીલ કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “અમે એફસીઆરએ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ જોઈ છે. ભારતથી જોડાયેલા ધારાકીય મામલા આપણા આંતરિક મામલા છે, જેના પર દેશની સંસદ નિર્ણય લે છે. હું એ પણ જણાવવા માંગુ છું કે અમેરિકા સહિત અનેક દેશો વિદેશી ભંડોળને નિયંત્રિત કરે છે.”
-
શું છે FCRA સંશોધન બિલ 2026?
કેન્દ્ર સરકાર સંસદના ચોમાસુ સત્ર દરમિયાન એફસીઆરએ સંશોધન વિધેયક-2026 પસાર કરાવવાની તૈયારીમાં છે. આ સંશોધન વિધેયકમાં પ્રસ્તાવ છે કે રજીસ્ટ્રેશનની મુદત પૂરી થવા કે રદ થવાની સ્થિતિમાં વિદેશી ફંડની સુરક્ષા માટે એક નામિત સત્તાધિકારીની વ્યવસ્થા કરવામાં આવે. નવા નિયમો અનુસાર વિદેશી ફંડ માટેના રજીસ્ટ્રેશનને નિર્ધારિત ઉદ્દેશ્યો અને મંજૂર કરાયેલા રાજ્યો સાથે જોડવામાં આવ્યું છે. અનુમત ધાર્મિક પ્રવૃત્તિઓમાંથી ધર્માંતરણના હેતુથી કરવામાં આવતા પ્રચાર-પ્રસારને બહાર રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાનૂનની શરૂઆત વર્ષ 1976 માં થઈ હતી, જેમાં સમય-સમય પર સંશોધનો કરવામાં આવ્યા છે. એફસીઆરએ કોઈપણ વિદેશી સ્ત્રોતમાંથી મળતા વિદેશી ફંડને સ્વીકારવા અને તેના ઉપયોગને નિયંત્રિત કરવાનું કામ કરે છે.


