ગાંધીનગરમાં પોલીસના સઘન બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝૂંબેશ, 100 જેટલાં લારી-ગલ્લા હટાવાયાં
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પણ રોડ-રસ્તાઓ પર આડેધડ દબાણો થયેલા છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણકારોને નોટિસો આપ્યા બાદ પણ દબાણો હટાવાયા નથી. ત્યારે હવે દબાણની ઝુંબેશ શરૂ કરાઈ છે, એક મહિના સુધી મ્યુનિ,કોર્પોરેશનના દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને દબાણો હટાવશે. સોમવારે પ્રથમ દિવસે પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી ટીમ દ્વારા સેક્ટર-6માંથી 16 લારી જપ્ત કરવામાં આવી હતી અને 39 કાચા છાપરા હટાવ્યા હતાં. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મામલતદાર અને પોલીસની ટીમ સાથે રાખીને દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ છે. જે 27 માર્ચ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ શાખા દ્વારા આ કામગીરી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં એક અંદાજ પ્રમાણે દબાણોની સંખ્યા 4 હજારને પાર છે. જેમાં સૌથી વધુ 3 હજારથી વધુ ઝુંપડાઓનો સમાવેશ થાય છે. આ સિવાય લારી-ગલ્લા અને અન્ય દબાણો એક હજાર જેટલા છે. શહેરમાં લારી-ગલ્લા, ઝુંડપાના અનેક દાબણો કામયી ધોરણે થઈ ગયા છે. શહેરને સ્માર્ટસિટી બનાવવા અને બ્યુટિફીકેશન માટે પણ વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દબાણોને પગલે શહેરની સુંદરતા બગડવાની સાથે અન્ય નાગરિકોને નાની-મોટી સમસ્યાઓ સર્જાય છે. સામાન્ય દિવસોમાં કામગીરી કરતી દબાણ શાખાઓ વધેલી ફરિયાદોને પગલે સમગ્ર ઝુંબેશ શરૂ કરી છે. જેમાં પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફને સાથે રાખીને હાલ કામગીરી કરાઈ રહી છે. માત્ર ગાંધીનગર શહેર જ નહીં જિલ્લામાં પણ અનેક દબાણો ખડકાયેલા છે. વિવિધ પ્રકારના દબાણ હટાવવા માટે જિલ્લા દબાણ શાખા, જિલ્લા પંચાયતમાં દબાણ સેલ, મહાપાલિકા અને નગરપાલિકાઓમાં તથા તાલુકા પંચાયતમાં પણ દબાણ શાખાઓ કાર્યરત છે. પરંતુ આ તમામની નિષ્ક્રીયતાના કારણે હજારો દબાણ થયા છે અને દિવસેને દિવસે તેની સંખ્યા વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ દબાણ હોવાનું સામે આવ્યું છે. પરંતુ દબાણ હટાવ ખાતાની નિષ્ક્રિયતાને કારણે આ દબાણો હટાવાતા નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરમાં ઘ-0 સર્કલથી રિયાલન્ય ચોકડી સુધીના એક કિલોમીટરના વિસ્તારમાં હાલ મોટા પાયે લારી-ગલ્લા ઉભા થઈ ગયા છે. જેમાં અંદાજ પ્રમાણે અહીં નાના-મોટા 100 જેટલા દબાણ થઈ ગયા છે. જેમાં અહીં ખાવા માટે આવતા લોકો રસ્તા પર જ વાહનો ખડકીને જ જતાં અહીં વારંવાર ટ્રાફીકને અસર થાય છે. એટલું જ નહીં અહીં મોડી રાત સુધી લોકોની અવર-જવર રહેતી હોય છે અને રાત્રી બેઠકો જામતી હોય છે. સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે ઝુંપડાના દબાણો વર્ષોથી છે, જેમાં તંત્ર દ્વારા અહીંથી દબાણ ખસેડ્યા બાદ થોડા દિવસમાં ફરી દબાણો થઈ જાય છે. અહીં રહેતાં શ્રમિકો વર્ષોથી કુદરતી હાજત માટે આસપાસની ખુલ્લી જગ્યાનો જ ઉપયોગ કરે છે. વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાને પગલે અહીં માથા ફાડી નાખે દેવી દુર્ગંધ આવતી હોય છે. ઘ-2થી લઈને ઘ-3 સુધીના એક કિલોમીટરના પટ્ટામાં દુર્ગંધની સમસ્યા કામયી થઈ છે.