અમદાવાદમાં પેટ્રોલની કિંમત રૂ.100ને પાર, મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલીમાં વધારો
અમદાવાદ શહેરમાં પેટ્રોલની કિંમતમાં 29 પૈસાના વધારાની સાથે જ કિંમત 100ને પાર થઈ ગઈ છે. બીજી તરફ ડીઝલની કિંમતમાં પણ 37 પૈસાનો વધારો થયો છે. હાલમાં અમદાવાદમાં પેટ્રોલની કિંમત 100.04 છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં લાગેલી આગથી ભારતભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ નવી ટોચની સપાટી હાંસલ કરી રહી છે. સરકારી ઓઇલ વિતરણ કંપનીઓએ ગુરુવારે પણ પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35-38 પૈસા પ્રતિ લિટરનો ભાવવધારો કરતાં દેશભરમાં ઇંધણોએ ભાવની નવી સપાટી સર કરી હતી.
અમદાવાદમાં ગુરુવારે 37 પૈસાના વધારા સાથે ડીઝલની કિંમત અમદાવાદમાં રૂપિયા 98.90 પ્રતિ લિટર પર પહોંચી ગઇ હતી
ગુરુવારના ભાવવધારાના કારણે રાજ્યના બીજા બે મોટા શહેર સુરત અને વડોદરામાં પેટ્રોલની કિંમતની સદીના આડે માંડ થોડા પૈસાનું અંતર રહ્યું હતું. ગુરુવારે સુરતમાં પેટ્રોલ રૃપિયા 99.89 અને વડોદરામાં રૃપિયા 99.68 પ્રતિ લિટર રહ્યું હતું.
ગુરુવારે કરાયેલા ભાવવધારાના કારણે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ રૃપિયા 103.24 અને મુંબઇમાં રૃપિયા 109.25 પ્રતિ લિટર પર પહોંચ્યું હતું. મુંબઇમાં ડીઝલની કિંમત રૃપિયા 99.55 એટલે કે રૂપિયા 100 નજીક પહોંચી ગઇ હતી. રાજસ્થાનના સરહદી શહેર શ્રીગંગાનગરમાં પેટ્રોલ 115ની સપાટી પાર કરી રૃપિયા 115.14 અને ડીઝલ રૃપિયા 105.64 પ્રતિ લિટર થયાં હતાં.
મહત્વની વાત એ છે કે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત મધ્યમવર્ગના લોકોને ભારે અસર કરી રહી છે અને તેમના ખિસ્સા પર કાતર મુકી રહી છે. જે લોકોને મજબૂરીમાં રોજ ફરવાનું થતું હોય છે તે લોકોને ભારે મુશ્કેલીને સામનો કરવો પડી રહ્યો છે.