
અમદાવાદઃ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ કબજો જમાવ્યા બાદ ત્યાં અરાજકતા ઊભી થતાં આયાત-નિકાસ ઠપ થઈ ગઈ હતી. તેના લીધે સુકામેવાના ભાવમાં વધારો થયો હતો. હવે સ્થિતિમાં સુધારો થતાં અફઘાનિસ્તાનથી ટ્રકોમાં સૂકો મેવો દિલ્હી આવવા લાગતા દેશમાં વેપારીઓએ કરેલો કૃત્રિમ ભાવવધારો ઘટવા લાગ્યો છે, જેને કારણે અમદાવાદના વેપારીઓએ પણ અંજીરના ભાવમાં 10 ટકાનો વધારો કરી દીધો હતો જે ઘટી ગયો છે. અફઘાનિસ્તાનના વેપારીઓએ નિયમિત રીતે ભારતમાં માલ પહોંચાડવાની ખાતરી આપતા વેપારીઓને હાશકારો થયો છે. વધુ સુકામેવાની ટ્રકો દિલ્હી પહોંચી રહી છે. સાથે સાથે હવે ગણતરીના દિવસોમાં જ અફઘાનિસ્તાનની બેન્કો પણ કાર્યરત થઈ જશે જેથી આર્થિક વ્યવહારોમાં પણ સરળતા થશે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા હસ્તગત કરી લીધી છે. વિવાદમાં દેશનું અર્થતંત્ર જાણે કે થંભી ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અફઘાનિસ્તાનના તમામ એરપોર્ટને બંદરો તાલિબાનોએ કબજે કરી લીધા છે જેના કારણે તમામ પ્રકારની આયાત અને નિકાસની કામગીરી હાલ બંધ છે. અફઘાનિસ્તાન અંજીર, જરદારૂ, કાળી દ્રાક્ષ તથા હિંગની નિકાસ કરે છે. નિકાસ અટકી જતા અફઘાનિસ્તાનના બજારોમાં અંજીરના ઢગલા થઈ ગયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભારતના જે વેપારીઓએ સુકામેવાનું પેમેન્ટ કરી દીધું હતું તેમને માલ મળી રહે તેના માટે અફઘાનિસ્તાનના વ્યાપારીઓએ ટ્રકમાં માલ દિલ્હી પહોંચાડ્યો હતો. વિવાદને કારણે અમદાવાદ સહિત ભારતના વેપારીઓએ સૂકામેવામાં કૃત્રિમ વધારો કરી દીધો હતો. ટ્રકમાં સૂકો મેવો ભારત આવવા લાગતા અંજીર સહિતના સૂકામેવામાં કરાયેલો 10 ટકાનો ભાવ વધારો ઘટી ગયો છે. અમદાવાદના વેપારીઓએ કરેલો ભાવ વધારો ઘટાડી દેવામાં આવ્યો છે.