
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવા ભાજપના સંમેલનને સંબોધવા ફરીવાર 11 સપ્ટેમ્બરે ગુજરાત આવશે,
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. કચ્છ અને અમદાવાદમાં વિકાસકાર્યોના લોકાર્પણો અને જનસભાઓને સંબોધી હતી. હવે સપ્ટેમ્બર મહિનામાં પણ વડાપ્રધાનની ગુજરાત મુલાકાતનો તખતો ગોઠવાઈ રહ્યો છે. આગામી 11મી સપ્ટેમ્બરના રોજ ભાજપના યુવા સંમેલનમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતની મુલાકાતે આવશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીની મુલાકાત વધી રહી છે. તાજેતરમાં વડાપ્રધાન કચ્છ અને ગાંધીનગર-અમદાવાદની મુલાકાત લઇ ગયા બાદ હવે તા. 11 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાનારા યુવા ભાજપના વિશાળ સંમેલનને મોદી સંબોધન કરશે. ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપે યુવા સંમેલન યોજવાની કવાયત હાથ ધરી છે.વડાપ્રધાન મોદી યુવા સંમેલનમાં હાજરી આપશે. પ્રદેશ ભાજપ દ્વારા 11 સપ્ટેમ્બરે વડાપ્રધાન પાસે સમય મગાયો છે.વડાપ્રધાન કાર્યક્રમમાં એક લાખ યુવાઓને એકત્ર કરવાનું આયોજન છે. આગામી ચૂંટણીમાં યુવા મતદાર મોટી ભૂમિકા હશે.ત્યારે હાલ ભાજપ તમામ શાળા-કોલેજોના વિદ્યાર્થી કે જેઓ યુવા મતદારો છે, તેમને એકઠા કરાશે. કોલેજોના સંચાલકોને પણ જવાબદારી સોંપવામાં આવશે. યુવા સંમેલન માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટ બે દિવસીય ગુજરાત પ્રવાસે હતા. ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પદાધિકારીઓ સાથે બેઠક યોજીને ચૂંટણીની રણનીતિ અંગે સીધું માર્ગદર્શન આપ્યા બાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ એક્શન મોડમાં આવી ગયા છે.મોદીએ કમલમ ખાતે બેઠક યોજી કોર કમિટીના સભ્યોને માર્ગદર્શન તેમજ જીતનો મંત્ર આપ્યો હતો. અને વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ જોર કરી રહી છે. શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ભાજપના મતો તોડે તેવી શક્યતા છે. સૌથી વધુ યુવા વર્ગ આમ આદમી પાર્ટીથી પ્રભાવિત થઈ રહ્યો છે. ત્યારે ભાજપે યુવા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.