
અમદાવાદમાં સી-ફોર્મ રિન્યુઅલ મુદ્દે ખાનગી તબીબો દ્વારા હડતાળ પાડીને રિવરફ્રન્ટ પર ધરણાં યોજાશે
અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે હવે ડોકટરો સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદ ખાનગી હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન દ્વારા સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે 14 અને 15 મેના રોજ બે દિવસ હડતાળનું એલાન કરીને બે દિવસ સંપૂર્ણપણે હોસ્પિટલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી તબીબોએ અવારનવાર રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતાં છેવટે તબીબોએ હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળના કારણે હજારો દર્દીઓને તકલીફનો સામનો કરવો પડી શકે છે. જેના માટે ડોકટરોએ માફી પણ માગી છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થઈ ધરણા કરશે, તેમજ “ફુટપાથ પર ઓપીડી” જેવા કાર્યક્રમો યોજશે.
AHNA ના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં વર્ષ 2014 પહેલા જે હોસ્પિટલ બની કે બિલ્ડીંગો બન્યા હતા તેને બીયુ પરમિશન લેવા માટે તકલીફ પડી છે. મોટી હોસ્પિટલમાં જે નિયમો લાગુ કરવામાં આવ્યા તે જ નાના ક્લિનિક અને નર્સીગ હોમ્સ માટે લાગુ કરવામાં આવ્યો છે. સરકાર અને મ્યુનિ. કોર્પોરેશનને અપીલ કરીએ છીએ કે જે 400 હોસ્પિટલનું સી ફોર્મ રિન્યુઅલ નથી થયું તેમાં બીયુનો નિયમ રદ કરવામાં આવે અને ફરી ઉંડાણપૂર્વક વિચારણા કરવી જોઈએ. સરકારે નાના ક્લિનિક અને નર્સીગ હોમ્સ માટે નિયમો માટે વિચારવાની જરૂર છે. તમામ હોસ્પિટલ તેમજ નસિંગ હોમ્સમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી છે. તમામને કાયદા લાગુ પડે તે રીતે કરવું. જો આ નિયમ રહેશે તો આગળ જતાં 900 હોસ્પિટલ બંધ થશે. એટલે કે 50 હોસ્પિટલો અમદાવાદમાં બંધ થઈ જશે.
AHNA ના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં એક સાથે ફોમ ‘સી’ રીન્યુ ન થવાથી આ તમામ નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ્સને તાળા મારવાની નોબત આવી ગઈ છે. વર્ષ 1959થી 2021 સુધી હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સ રજીસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપતા આવ્યા છીએ અને તેમનું સી’ ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવ્યું છે. 2021 ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજીયાત કરાયું છે. જેના કારણે આ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સનું રજીસ્ટ્રેશન,સ્ટાફની લાયકાત તેમજ ડોક્ટર્સના ક્વોલિફીકેશનની ચકાસણી કર્યા બાદ આપવામાં આવે છે. ક્યારેય બી.યુ. પરમિશનની જરૂરિયાત ઉભી કરવામાં આવી નથી.આ ઉપરાંત બી.યુ. ની જરૂરિયાત ફક્ત અમદાવાદ ખાતે જ ઉભી કરવામાં આવી છે.
અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, સી ફોર્મ એટલે બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, ત્યારે આ ફોર્મ ભરીને આપવાનું હોય છે. જેમાં હોસ્પિટલ અંગેના અને ડોક્ટરની માહિતી અંગેના સર્ટીફિકેટ સહિતની વિગતો રજુ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સી.ફોર્મમાં નવો નિયમ અચાનક જ લાવી દેવામાં આવ્યો છે. જેમાં પહેલા સી ફોર્મમાં બીયુ પરમીશનના કાગળની જરૂરિયાત હતી નહીં પરંતુ કોર્પોરેશન દ્વારા આ બીયુ પરમિશનનો ફરજિયાત કાગળ રજુ કરવા માટે જણાવ્યું છે. સી ફોર્મના રીન્યુઅલમાં બીયુ પરમીશન કાગળ લાવવામાં હોસ્પિટલોને અત્યારે તકલીફ પડી શકે છે. કારણ કે અનેક એવી હોસ્પિટલો વર્ષો જુના બિલ્ડિંગોમાં છે જ્યાં બિયુ પરમીશન છે જ નહીં. જેથી જો આ નિયમ લાગુ કરવામાં આવે તો અનેક હોસ્પિટલો બંધ થઈ શકે છે. રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જેવા શહેરોમાં આ નિયમ લાગુ કરાયો નથી પરંતુ અમદાવાદ મ્યુનિ. દ્વારા આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.