ગુજરાત પોલીસમાં બઢતી: 68 PI ને DySP તરીકે પ્રમોશન
ગાંધીનગર, 20 ડિસેમ્બર 2025ઃ Gujarat Police Transfers and Promotions ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લાંબા સમયથી ફરજ બજાવતા 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે જ 7 DySP સ્તરના અધિકારીઓની બદલીના હુકમ પણ કરવામાં આવ્યા છે.
ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર અનુસાર, કુલ 75 પોલીસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં હથિયારી, બિન-હથિયારી અને વાયરલેસ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ફેરફારથી રાજ્યના પોલીસ તંત્રમાં નવા ઉત્સાહ સાથે કામગીરી વેગીલી બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને વડોદરા સહિતના મહત્વના જિલ્લાઓમાં બઢતીનો આદેશ લાગુ કરવામાં આવ્યો છે. 47 બિન-હથિયારધારી પીઆઈને DySP તરીકે બઢતી આપવામાં આવી છે. આવી જ રીતે 9 હથિયારી PI તથા 12 વાયરલેસ પીઆઈને DySP તરીકે બઢતી આપવામાં આવી છે.. આમ, કુલ 68 પોલીસ ઇન્સ્પેક્ટરોને ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન મળ્યું છે.
બઢતીની સાથે સાથે ગૃહ વિભાગે વહીવટી કારણોસર 7 હથિયારી અને બિન-હથિયારી DySP ની બદલી પણ કરી છે. બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમના નવા સોંપાયેલા સ્થળે ચાર્જ સંભાળવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં આ બઢતીને કારણે ખાલી પડેલી PI ની જગ્યાઓ પર પણ નવી નિમણૂકો અથવા બદલીઓ થવાની શક્યતા છે.


