
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં નામા મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2022-23નું બજેટ રજુ કર્યુ હતું. બજેટમાં માર્ગ અને મકાન બાંધકામ માટે રૂા.12024 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રાજયમાં રેલ્વે ક્રોસીંગને નાબુદ કરવા અને ફાટક મુક્ત ગુજરાતની કલ્પના માટે રૂા.4100 કરોડની જોગવાઈ કરવામાં આવે છે. તેમજ હાઈવે પર 78 બ્રીજ બનાવવામાં આવશે.
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે આ જાહેરાત કરતા જણાવ્યું કે એક તરફ શહેરી વિસ્તારોને આવરી લેતા રાષ્ટ્રીય અને રાજય ધોરીમાર્ગના રૂા.23 હજાર કરોડના કામો પ્રગતિ હેઠળ છે જેમાં રાજકોટ, અમદાવાદ હાઈવેને રૂા.3350 કરોડના ખર્ચે સિકસલેન કરવાની કામગીરી ચાલુ છે. રાજયના બંદરો, ઔદ્યોગિક ક્ષેત્રો તથા યાત્રાધામને જોડતા 830 કી.મી.ના માર્ગો બની રહ્યા છે. રાજયમાં રેલ્વે ક્રોસીંગને નાબુદ કરવા અને ફાટક મુક્ત ગુજરાતની કલ્પના માટે રૂા.4100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નાણા મંત્રીએ બજેટ રજુ કરતા ગૃહમાં જણાવ્યું હતું કે, પીએમ ગતિશક્તિ યોજના હેઠળ અમદાવાદ, મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂા.1870 કરોડ, બગોદરા-વાસદ 101 કી.મી.નો રોડ 1654 કરોડના ખર્ચે પૂર્ણ થઈ રહ્યા છે જયારે રાજય સરકાર દ્વારા હવે કોસ્ટલ હાઈવે માટે રૂા.2440 કરોડનું બજેટ નિશ્ચિત થયુ છે જેમાં ચાલુ વર્ષે રૂા.244 કરોડ ફાળવાશે. ગુજરાતમાં શહેરીકરણના દરમાં વધારો થતાં રાજ્યની લગભગ 48 ટકા વસતિ શહેરોમાં રહે છે. શહેરમાં રહેતા લોકોના જીવનસ્તરમાં સુધારા માટે માળખાકીય સગવડો સાથે નવતર સેવાઓનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મૂકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવી છે.