1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રના પુણેમાં લઠ્ઠાકાંડઃ ઝેરી દારૂ પીવાથી 13 લોકોના મોત, 4ની હાલત ગંભીર
મહારાષ્ટ્રના પુણેમાં લઠ્ઠાકાંડઃ ઝેરી દારૂ પીવાથી 13 લોકોના મોત, 4ની હાલત ગંભીર

મહારાષ્ટ્રના પુણેમાં લઠ્ઠાકાંડઃ ઝેરી દારૂ પીવાથી 13 લોકોના મોત, 4ની હાલત ગંભીર

0
Social Share

પુણે, 29 મે 2026: પૂણેના હડપસર વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ઝેરી દારૂ પીવાથી 13 વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે ચાર વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયું છે. તેમજ પોલીસે આ ઘટના એક આરોપીને ઝડપી લીધો છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવી છે. સમગ્ર ઘટનાને લઈને સીએમ ફડણવીસે દુખ વ્યક્ત કરીને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે.

મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પુણેના હડપસર વિસ્તારમાં કથિત રીતે ઝેરી દારૂ (લઠ્ઠાકાંડ) પીવાના કારણે ઓછામાં ઓછા 13 લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે. આ ભયાનક ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ ઝેરી દારૂની અસરના કારણે હડપસર વિસ્તારના અન્ય 4 સ્થાનિક રહેવાસીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ ચકચારી ઘટનાની નોંધ લેતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ મામલાને અત્યંત ગંભીર ગણાવીને દોષિતો સામે તાત્કાલિક અને કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાના કડક નિર્દેશ આપ્યા છે.

પોલીસે અલગ-અલગ ટીમો બનાવી

સુત્રોના જણાવ્યા અનુસાર, આ લઠ્ઠાકાંડના તાર શોધવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી હતી. આ દરમિયાન પિંપરી-ચિંચવડ પોલીસે યોગેશ વાનખેડે નામના એક મુખ્ય શખ્સની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પુણે રાજ્ય આબકારી વિભાગ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસના પ્રાથમિક અહેવાલો મુજબ, આરોપી યોગેશ વાનખેડે પર જ બંને અસરગ્રસ્ત સ્થળોએ આ ઝેરી દારૂનો જથ્થો સપ્લાય કરવાનો મુખ્ય આરોપ છે. પુણે પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, “આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઝેરી કેમિકલયુક્ત દારૂ ક્યાં બનાવવામાં આવ્યો હતો અને આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માફિયાઓ સામેલ છે, તે દિશામાં સઘન પૂછપરછ અને આગળની કાયદાકીય તપાસ ચલાવવામાં આવી રહી છે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code